민수기 34장 구자라트 IRV
- 1 યહોવાહે મૂસાને કહ્યું,
- 2 ઇઝરાયલી લોકોને આજ્ઞા કરીને કહે, જ્યારે તમે કનાનના દેશમાં પ્રવેશ કરશો, ત્યારે કનાન દેશ અને તેની સરહદો તમારી થશે,
- 3 તમારો દક્ષિણ ભાગ સીનના અરણ્યથી અદોમની સરહદ સુધી વિસ્તરશે. તમારી દક્ષિણ સરહદ ખારા સમુદ્રના પૂર્વના છેડાથી શરૂ થાય.
- 4 તમારી સરહદ વળીને આક્રાબ્બીમના ઢોળાવ તરફ સીનના અરણ્ય સુધી જાય. ત્યાંથી તે દક્ષિણમાં કાદેશ બાર્નેઆ સુધી અને આગળ હસારઆદ્દાર સુધી અને આગળ આસ્મોન સુધી જાય.
- 5 ત્યાંથી તે સરહદ આસ્મોનથી વળીને મિસરનાં ઝરણાં અને સમુદ્ર સુધી જાય.
- 6 મોટો સમુદ્ર તથા તેનો કિનારો તે તમારી પશ્ચિમ સરહદ હશે.
- 7 તમારી ઉત્તરની સરહદ ભૂમધ્ય સમુદ્રથી શરૂ થઈ હોર પર્વત સુધી તેની સીમારેખા દોરવી,
- 8 ત્યાંથી હોર પર્વતથી લબો હમાથ સુધી અને આગળ સદાદ સુધી જશે.
- 9 ત્યાંથી તે સરહદ ઝિફ્રોન સુધી અને તેનો છેડો હસાર-એનાન સુધી પહોંચે. આ તમારી ઉત્તરની સરહદ થશે.
- 10 તમારી પૂર્વની સરહદ હસાર-એનાનથી શરૂ થઈ શફામ સુધી આંકવી.
- 11 તે સરહદ શફામથી નીચે વળીને આયિનની પૂર્વે આવેલ રિબ્લાહ સુધી જશે. તે સરહદ ત્યાંથી કિન્નેરેથ સમુદ્ર સુધી પૂર્વ કિનારે પહોંચશે.
- 12 ત્યાંથી તે સરહદ ઊતરીને યર્દન કિનારે જાય અને આગળ વધી ખારા સમુદ્ર સુધી આવે. આ દેશ તેની ચારે દિશાની સરહદો પ્રમાણે તમારો થશે.’”
- 13 મૂસાએ ઇઝરાયલી લોકોને આજ્ઞા કરીને કહ્યું “આ દેશ તમારે ચિઠ્ઠી નાખીને વહેંચી લેવો, યહોવાહે આ દેશ નવ કુળોને તથા અડધા કુળને આપવાની આજ્ઞા આપી છે.
- 14 રુબેનના વંશજોને તેઓના પિતૃઓના કુળ પ્રમાણે, ગાદના વંશજોના કુળને તથા મનાશ્શાના અર્ધકુળને તેઓનો વારસો વહેંચી આપવામાં આવ્યો છે.
- 15 આ બે કુળોને તથા અડધા કુળને તેઓના દેશનો ભાગ યરીખોની આગળ યર્દન નદીની પૂર્વ તરફ એટલે સૂર્યની ઉગમણી દિશા તરફ મળ્યો છે.”
- 16 યહોવાહે મૂસાને કહ્યું,
- 17 “જે માણસો તારા વારસા માટે આ દેશને વહેંચશે તેઓનાં નામ આ છે: એલાઝાર યાજક તથા નૂનનો દીકરો યહોશુઆ.
- 18 તેઓના કુળ માટે દેશની વહેંચણી કરવા તારે દરેક કુળમાંથી એક આગેવાન પસંદ કરવો.
- 19 તે માણસોનાં નામ આ પ્રમાણે છે: યહૂદાના કુળમાંથી યફૂન્નેનો દીકરો કાલેબ.
- 20 શિમયોનના વંશજોના કુળમાંથી આમ્મીહૂદનો દીકરો શમુએલ.
- 21 બિન્યામીનના કુળમાંથી કિસ્લોનનો દીકરો અલીદાદ.
- 22 દાનના વંશજોના કુળનો આગેવાન, યોગ્લીનો દીકરો બુક્કી.
- 23 યૂસફના વંશજોમાંથી, મનાશ્શાના વંશજોના કુળનો આગેવાન, એફોદનો દીકરો હાન્નીએલ.
- 24 એફ્રાઇમના વંશજોના કુળનો આગેવાન, શિફટાનનો દીકરો કમુએલ.
- 25 ઝબુલોનના વંશજોના કુળનો આગેવાન, પાનાખનો દીકરો અલીસાફાન.
- 26 ઇસ્સાખારના વંશજોના કુળનો આગેવાન, અઝઝાનનો દીકરો પાલ્ટીએલ.
- 27 આશેરના વંશજોના કુળનો આગેવાન, શલોમીનો દીકરો અહિહુદ,
- 28 નફતાલીના વંશજોના કુળનો આગેવાન, આમ્મીહૂદનો દીકરો પદાહએલ.”
- 29 યહોવાહે આ માણસોને કનાન દેશના વારસાનો ભાગ ઇઝરાયલના દરેક કુળને વહેંચવાની આજ્ઞા આપી હતી.