마태복음 20장 구자라트 IRV
- 1 ‹કેમ કે સ્વર્ગનું રાજ્ય એક જમીનદાર જેવું છે, જે પોતાની દ્રાક્ષાવાડીને માટે મજૂરો નક્કી કરવાને વહેલી સવારે બહાર ગયો.›
- 2 ‹તેણે મજૂરોની સાથે રોજનો એક દીનાર નક્કી કરીને પોતાની દ્રાક્ષાવાડીમાં તેઓને મોકલ્યા.›
- 3 ‹તે દિવસના આશરે સવારના ત્રણ કલાકે બહાર જઈને તેણે ચોકમાં બીજાઓને કામની શોધમાં ઊભા રહેલા જોયા.›
- 4 ‹ત્યારે માલિકે તેઓને કહ્યું કે, ‘તમે પણ દ્રાક્ષાવાડીમાં જાઓ અને જે કંઈ ઉચિત હશે, તે હું તમને આપીશ.’ ત્યારે તેઓ ગયા.›
- 5 ‹વળી તે જ દિવસે આશરે બાર કલાકે અને ત્રણ કલાકે ફરીથી બહાર જઈને તેણે તે જ પ્રમાણે કર્યું.›
- 6 ‹ત્યાર પછી આશરે અગિયારમાં કલાકે પણ તેણે બહાર જઈને બીજાઓને કામ મળવાની રાહમાં ઊભેલા જોયા; તે માલિકે તેઓને કહ્યું કે, ‘આખો દિવસ તમે કેમ અહીં કામ વગરનાં ઊભા રહો છો?’›
- 7 ‹તેઓએ તેને કહ્યું કે, ‘કેમ કે કોઈએ અમને મજૂરીએ રાખ્યા નથી.’ તેણે તેઓને કહ્યું કે, ‘તમે પણ દ્રાક્ષાવાડીમાં જાઓ.’”›
- 8 ‹સાંજ પડી ત્યારે દ્રાક્ષાવાડીનો માલિકે પોતાના કારભારીને કહ્યું કે, ‘મજૂરોને બોલાવીને છેલ્લી વ્યક્તિથી માંડીને તે પહેલી વ્યક્તિ સુધીનાઓને તેઓનું વેતન આપ.’›
- 9 ‹જેઓને આશરે અગિયારમાં કલાકે કામ પર રાખ્યા હતા, તેઓ જયારે આવ્યા ત્યારે તેઓને એક એક દીનાર આપવામાં આવ્યો.›
- 10 ‹પછી જેઓ પહેલા આવ્યા હતા, તેઓ ધારતા હતા કે અમને વધારે મળશે; પરંતુ તેઓને પણ એક દીનાર અપાયો.›
- 11 ‹ત્યારે તે લઈને તેઓએ જમીનદારની વિરુદ્ધ કચકચ કરી.›
- 12 ‹અને કહ્યું કે, ‘આ મોડેથી આવનારાઓએ માત્ર એક જ કલાક કામ કર્યું છે અને અમે આખા દિવસનો બોજો તથા લૂ સહન કરી, તેમ છતાં તેં તેઓને અમારી બરોબર ગણ્યા છે.’”›
- 13 ‹પણ તેણે તેઓમાંના એકને જવાબ આપ્યો કે, મિત્ર, હું તને કશો અન્યાય નથી કરતો; શું તે મારી સાથે એક દીનાર નક્કી કર્યો નહોતો?›
- 14 ‹તારું જે છે તે લઈને ચાલ્યો જા; જેટલું તને તેટલું આ છેલ્લાઓને પણ આપવાની મારી મરજી છે.›
- 15 ‹જે મારું છે તે મારી મરજી પ્રમાણે વાપરવાનો શું મને હક નથી? અથવા હું સારો છું માટે તારી આંખ દુષ્ટ છે શું?’›
- 16 ‹એમ જેઓ છેલ્લાં તેઓ પહેલાં અને જેઓ પહેલાં તેઓ છેલ્લાં થશે.”›
- 17 ઈસુએ યરુશાલેમ જતા, રસ્તા પર બાર શિષ્યોને એકાંતમાં લઈ જઈને તેઓને કહ્યું કે,
- 18 ‹જુઓ, “આપણે યરુશાલેમ જઈએ છીએ, માણસના દીકરાને મુખ્ય યાજકોને તથા શાસ્ત્રીઓને હાથે પરાધીન કરાશે અને તેઓ તેના પર મૃત્યુદંડ ઠરાવશે›
- 19 ‹અને ઠઠ્ઠામશ્કરી કરવાને, કોરડા મારવાને, વધસ્તંભે જડવાને તેઓ તેમને બિનયહૂદીઓને સોંપશે; અને ત્રીજે દિવસે તે પાછો સજીવન થશે.”›
- 20 ત્યારે ઝબદીના દીકરાઓની માએ પોતાના દીકરાઓની સાથે ઈસુની પાસે આવીને તથા પગે પડીને તેમની પાસે કંઈક માગણી કરી.
- 21 ઈસુએ તેમને કહ્યું કે, ‹“તમે શું ચાહો છો?”› તેણે તેમને કહ્યું કે, “તમારા રાજ્યમાં આ મારા બે દીકરામાંનો એક તમારે જમણે હાથે અને બીજો તમારે ડાબે હાથે બેસે, એવી આજ્ઞા તમે કરો.”
- 22 પણ ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે, ‹“તમે જે માગો છો તે તમે સમજતા નથી; જે પ્યાલો હું પીવાનો છું તે તમે પી શકો છો?”› તેઓએ તેમને કહ્યું કે, “અમે પી શકીએ છીએ.”
- 23 તેમણે તેઓને કહ્યું કે, ‹“તમે મારો પ્યાલો પીશો ખરા, પણ જેઓને માટે મારા પિતાએ તૈયાર કરેલું છે તેઓના વગર બીજાઓને મારે જમણે હાથે અને ડાબે હાથે બેસવા દેવા એ મારા અધિકારમાં નથી.”›
- 24 જયારે બીજા દસ શિષ્યોએ તે સાંભળ્યું ત્યારે તેઓ બન્ને ભાઈઓ પર ગુસ્સે થયા.
- 25 પણ ઈસુએ તેઓને પાસે બોલાવીને કહ્યું કે, ‹“તમે જાણો છો કે વિદેશીઓના કર્તાઓ તેઓ પર સત્તા ચલાવે છે. અને જે મોટા છે તેઓ તેઓના પર અધિકાર ચલાવે છે.›
- 26 ‹પણ તમારામાં એવું ન થાય. તમારામાં જે કોઈ મોટો થવા ચાહે, તે તમારો ચાકર થાય;›
- 27 ‹અને જે કોઈ તમારામાં મુખ્ય થવા ચાહે, તે તમારો દાસ થાય;›
- 28 ‹જેમ માણસનો દીકરો સેવા કરાવવા નહિ, પણ સેવા કરવાને, તથા ઘણાં લોકોના મુક્તિમૂલ્યને સારુ પોતાનો જીવ આપવાને આવ્યો છે તેમ.”›
- 29 જયારે તેઓ યરીખોમાંથી નીકળતા હતા, ત્યારે લોકોનો મોટો સમુદાય તેમની પાછળ ચાલતો હતો.
- 30 જુઓ, બે અંધજનો રસ્તાની બાજુએ બેઠા હતા, ઈસુ તેઓની પાસે થઈને જાય છે તે સાંભળીને તેઓએ ઊંચા અવાજે કહ્યું કે, “ઓ પ્રભુ, દાઉદના દીકરા, અમારા પર દયા કરો.”
- 31 પણ લોકોએ તેઓને ધમકાવીને ચૂપ રહેવા કહ્યું, પણ તેઓએ વધારે મોટેથી બૂમ પાડતાં કહ્યું કે, “ઓ પ્રભુ, દાઉદના દીકરા, અમારા ઉપર દયા કરો.”
- 32 ત્યારે ઈસુએ ઊભા રહીને તેઓને બોલાવીને કહ્યું કે, ‹“હું તમારે માટે શું કરું, એ વિષે તમારી શી ઇચ્છા છે?”›
- 33 તેઓએ તેમને કહ્યું કે, “પ્રભુ, અમારી આંખો ઉઘાડો.”
- 34 ત્યારે ઈસુને અનુકંપા આવી, અને તે તેઓની આંખોને અડક્યા અને તરત તેઓ દેખતા થયા અને તેઓ ઈસુની પાછળ ચાલ્યા.