마가복음 15장 구자라트 IRV
- 1 સવાર થઈ કે મુખ્ય યાજકોએ, વડીલો, શાસ્ત્રીઓ તથા આખી ન્યાયસભાએ સાથે મળીને કાવતરું રચ્યું. પછી તેઓ ઈસુને બાંધીને લઈ ગયા અને પિલાતને સોંપી દીધાં.
- 2 પિલાતે ઈસુને પૂછ્યું કે, ‘શું તું યહૂદીઓનો રાજા છે?’ તેમણે જવાબ આપતાં તેને કહ્યું કે, ‹‘તું કહે છે તે જ હું છું.’”›
- 3 મુખ્ય યાજકોએ તેમના પર ઘણાં આક્ષેપો મૂક્યા.
- 4 પિલાતે ફરી તેમને પૂછતાં કહ્યું કે, ‘શું તું કંઈ જ જવાબ આપતો નથી? જો, તેઓ તારા પર કેટલા બધા આક્ષેપો મૂકે છે!’
- 5 પણ ઈસુએ બીજો કોઈ જવાબ આપ્યો નહિ, જેથી પિલાતને આશ્ચર્ય થયું.
- 6 આ પર્વમાં જે એક બંદીવાનને લોકો માગે તેને તે છોડી દેતો હતો.
- 7 કેટલાક દંગો કરનારાઓએ હુલ્લડમાં ખૂન કર્યું હતું તેઓની સાથે કેદમાં પડેલો એવો બરાબાસ નામનો એક માણસ હતો.
- 8 લોકો ઉપર ચઢીને પિલાતને વિનંતી કરવા લાગ્યા કે, ‘જેમ તમે અમારે સારુ દર વખતે કરતા હતા તે પ્રમાણે કરો.’”
- 9 પિલાતે તેઓને જવાબ આપતાં કહ્યું કે, ‘શું તમારી મરજી એવી છે કે, હું તમારે સારુ યહૂદીઓના રાજાને મુક્ત કરું?’”
- 10 કેમ કે તે જાણતો હતો કે મુખ્ય યાજકોએ અદેખાઈને લીધે તેમને સોંપી દીધાં હતા.
- 11 પણ મુખ્ય યાજકોએ લોકોને ઉશ્કેર્યા, એ સારુ કે ઈસુને બદલે તે તેઓને માટે બરાબાસને મુક્ત કરે.
- 12 પણ પિલાતે ફરી તેઓને કહ્યું કે, ‘જેને તમે યહૂદીઓનો રાજા કહો છો, તેનું હું શું કરું?’”
- 13 તેઓએ ફરી બૂમ પાડી કે, ‘તેને વધસ્તંભે જડાવો.’”
- 14 પિલાતે તેઓને કહ્યું કે, ‘શા માટે? તેણે શું ખરાબ કર્યું છે?’ પણ તેઓએ વધારે ઊંચા અવાજે કહ્યું કે, ‘ઈસુને વધસ્તંભે જડાવો.’”
- 15 ત્યારે પિલાતે લોકોને રાજી કરવા તેઓને સારુ બરાબાસને જતો કર્યો. અને ઈસુને કોરડા મરાવીને વધસ્તંભે જડવા સારુ સોંપ્યાં.
- 16 સિપાઈઓ ઈસુને પ્રૈતોર્યુમ નામે કચેરીમાં લઈ ગયા; અને તેઓએ ચોકીદારોની આખી ટુકડીને બોલાવ્યા.
- 17 તેઓએ તેમને જાંબુડિયો ઝભ્ભો પહેરાવ્યો અને કાંટાનો મુગટ ગૂંથીને તેમના માથા પર મૂક્યો;
- 18 અને ‘હે યહૂદીઓના રાજા, સલામ!’ એમ કહીને મશ્કરીમાં તેમને નમસ્કાર કરવા લાગ્યા.
- 19 તેઓએ તેમના માથામાં સોટી મારી, ઈસુના પર થૂંક્યાં અને ઘૂંટણ ટેકીને તેમની આગળ નમ્યાં.
- 20 તેમની મશ્કરી કરી રહ્યા પછી તેઓએ તેમના અંગ પરથી જાંબુડિયો ઝભ્ભો ઉતારી લીધો અને તેમના પોતાનાં વસ્ત્રો તેમને પહેરાવ્યાં; પછી વધસ્તંભે જડવા સારુ તેમને લઈ જવામાં આવ્યા.
- 21 સિમોન નામે કુરેનીનો એક માણસ જે આલેકસાંદરનો તથા રૂફસનો પિતા હતો, તે ખેતરથી આવતાં ત્યાં થઈને જતો હતો. તેની પાસે સિપાઈઓએ બળજબરીથી ઈસુનો વધસ્તંભ ઊંચકાવ્યો.
- 22 ગલગથા નામની જગ્યા, જેનો અર્થ ‘ખોપરીની જગ્યા’ છે, ત્યાં તેઓ તેમને લાવ્યા.
- 23 તેઓએ બોળ મિશ્રિત દ્રાક્ષારસ તેમને આપ્યો; પણ ઈસુએ તે પીવાની ના પાડી.
- 24 સિપાઈઓએ ઈસુને વધસ્તંભે જડ્યાં અને તેઓમાંના પ્રત્યેકે ઈસુના વસ્ત્રનો કયો ભાગ લેવો, તે જાણવા માટે ચિઠ્ઠીઓ નાખી. તેઓએ તેમના વસ્ત્ર અંદરોઅંદર વહેંચી લીધાં.
- 25 સવારમાં લગભગ નવ વાગ્યે તેઓએ ઈસુને વધસ્તંભે જડ્યાં.
- 26 તેના ઉપર ઈસુનું એવું તહોમતનામું લખ્યું હતું કે “યહૂદીઓનો રાજા.”
- 27 ઈસુની સાથે તેઓએ બે ચોરોને વધસ્તંભે જડ્યાં, એકને તેમની જમણી તરફ અને બીજાને ડાબી તરફ.
- 28 “તે અપરાધીઓમાં ગણાયો,” એવું જે શાસ્ત્રવચન હતું તે પૂરું થયું.
- 29 પાસે થઈને જનારાંઓએ ઈસુનું અપમાન કર્યું તથા માથાં હલાવતાં કહ્યું કે, ‘વાહ રે! મંદિરને પાડી નાખનાર તથા તેને ત્રણ દિવસમાં બાંધનાર,
- 30 તું પોતાને બચાવ અને વધસ્તંભ પરથી ઊતરી આવ.’”
- 31 એ જ પ્રમાણે મુખ્ય યાજકોએ અંદરોઅંદર શાસ્ત્રીઓ સહિત મશ્કરી કરીને કહ્યું કે, ‘તેણે બીજાઓને બચાવ્યા, પણ પોતાને બચાવી શકતો નથી.
- 32 ઇઝરાયલના રાજા, ખ્રિસ્ત, હમણાં જ વધસ્તંભ પરથી ઊતરી આવ, કે અમે જોઈને વિશ્વાસ કરીએ.’” વળી જેઓ ઈસુની સાથે વધસ્તંભે જડાયેલા હતા તેઓએ પણ તેમની નિંદા કરી.
- 33 બપોરના લગભગ બારથી ત્રણ વાગ્યા સુધી આખા દેશમાં અંધારપટ છવાયો.
- 34 બપોરે લગભગ ત્રણ વાગ્યે ઈસુએ મોટે ઘાંટે બૂમ પાડી કે, ‹‘એલોઈ, એલોઈ લમા શબક્થની,› એટલે, ‹મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને કેમ મૂકી દીધો છે?’”›
- 35 જેઓ પાસે ઊભા રહેલા હતા તેઓમાંના કેટલાકે તે સાંભળીને કહ્યું કે, ‘જુઓ, તે એલિયાને બોલાવે છે.’”
- 36 એક માણસે દોડીને સિરકામાં પલાળેલી વાદળી લાકડાની ટોચે બાંધીને તેમને ચૂસવા આપીને કહ્યું કે, ‘રહેવા દો, આપણે જોઈએ કે, એલિયા તેને ઉતારવાને આવે છે કે નહિ?’”
- 37 ઈસુએ મોટી બૂમ પાડીને પ્રાણ છોડ્યો.
- 38 મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી ફાટીને તેના બે ભાગ થયા.
- 39 જે સૂબેદાર તેમની સામે ઊભો હતો, તેણે જયારે જોયું કે તેમણે આવી રીતે પ્રાણ છોડ્યો, ત્યારે તેણે કહ્યું કે, ‘ખરેખર આ માણસ ઈશ્વરના દીકરા હતા.’”
- 40 કેટલીક સ્ત્રીઓ પણ દૂરથી જોતી હતી; તેઓમાં મગ્દલાની મરિયમ, નાના યાકૂબ તથા યોસેની મા મરિયમ અને શાલોમી હતી.
- 41 જયારે ઈસુ ગાલીલમાં હતા ત્યારે તેઓ તેમની પાછળ ચાલીને તેમની સેવા કરતી હતી; અને તેમની સાથે યરુશાલેમમાં આવેલી બીજી પણ ઘણી સ્ત્રીઓ ત્યાં હતી.
- 42 સાંજ પડી ત્યારે સિદ્ધીકરણનો દિવસ, એટલે વિશ્રામવારની આગળનો દિવસ હતો, માટે,
- 43 ન્યાયસભાનો એક માનવંતો સભાસદ, એટલે અરિમથાઈનો યૂસફ આવ્યો. તે પોતે પણ ઈશ્વરના રાજ્યની વાટ જોતો હતો; તેણે હિંમત રાખીને પિલાતની પાસે જઈને ઈસુનો દેહ માગ્યો.
- 44 પિલાત આશ્ચર્ય પામ્યો કે, ‘શું તે એટલો જલદી મૃત્યુ પામ્યો હોય!’ તેણે સૂબેદારને પોતાની પાસે બોલાવીને પૂછ્યું કે, ‘ઈસુને મૃત્યુ પામ્યાને કેટલો વખત થયો?’”
- 45 સૂબેદાર પાસેથી તે વિષે ખબર મળી ત્યારે પિલાતે યૂસફને એ દેહ અપાવ્યો.
- 46 યૂસફે શણનું વસ્ત્ર વેચાતું લીધું, મૃતદેહને ઉતારીને તેને શણના વસ્ત્રમાં વીંટાળ્યો અને ખડકમાં ખોદેલી એક કબરમાં દફનાવ્યો. અને તે કબર પર પથ્થર ગબડાવી મૂક્યોં.
- 47 તેમને ક્યાં મૂક્યા એ મગ્દલાની મરિયમ તથા યોસેની મા મરિયમે જોયું.