마가복음 3장 구자라트 IRV
- 1 ઈસુ ફરી સભાસ્થાનમાં આવ્યા; અને ત્યાં એક માણસ હતો જેનો હાથ સુકાઈ ગયેલો હતો.
- 2 તે વિશ્રામવારે તેને સાજો કરશે કે નહિ, તે વિષે તેઓએ તેમના પર સતત નજર રાખી, એ માટે કે તેઓ તેમના પર દોષ મૂકી શકે.
- 3 પેલા સુકાયેલા હાથવાળા માણસને ઈસુએ કહ્યું કે, ‹‘વચમાં ઊભો થા.’”›
- 4 અને તેમણે કહ્યું કે, ‹‘વિશ્રામવારે સારું કરવું કે ખોટું કરવું જોઈએ? જીવને બચાવવો કે મારી નાખવો, કયું ઉચિત છે?’› પણ તેઓ મૌન રહ્યા.
- 5 તેઓના હૃદયની કઠોરતાને લીધે તે દિલગીર થઈને ગુસ્સાસહિત ચોતરફ તેઓને જોઈને તે માણસને કહ્યું કે, ‹‘તારો હાથ લાંબો કર.’”› તેણે તે લાંબો કર્યો; અને તેનો હાથ સાજો થયો.
- 6 શી રીતે ઈસુને મારી નાખવા તે વિષે ફરોશીઓએ બહાર જઈને તરત હેરોદીઓની સાથે તેમની વિરુદ્ધ મનસૂબો કર્યો.
- 7 અને ઈસુ પોતાના શિષ્યો સહિત નીકળીને સમુદ્રની નજીકમાં ગયા; અને ગાલીલમાંથી ઘણાં લોકો તેમની પાછળ ગયા; તેમ જ યહૂદિયામાંથી
- 8 તથા યરુશાલેમમાંથી, અદુમમાંથી, યર્દનને પેલે પારથી, તૂર તથા સિદોનની આસપાસના ઘણાં લોકો તેમણે જે જે કાર્યો કર્યા હતાં તે વિષે સાંભળીને તેમની પાસે આવ્યા.
- 9 લોકોથી પોતે દબાય નહિ, માટે તેમણે ભીડના કારણે પોતાને સારુ હોડી તૈયાર રાખવાનું પોતાના શિષ્યોને કહ્યું;
- 10 કેમ કે તેમણે ઘણાંને સાજાં કર્યાં હતાં અને તેથી જેટલાં માંદા હતાં તેટલાં તેમને અડકવા સારુ તેમના પર પડાપડી કરતાં હતાં.
- 11 અશુદ્ધ આત્માઓએ જયારે તેમને જોયા ત્યારે તેઓ તેમને પગે પડ્યા તથા પોકારીને બોલ્યા કે, ‘તમે ઈશ્વરના દીકરા છો.’”
- 12 તેમણે તેઓને હુકમ કર્યો કે, ‘તમારે મને પ્રગટ કરવો નહિ.’”
- 13 ઈસુ પહાડ પર ચઢ્યાં અને જેઓને તેમણે પસંદ કર્યા તેઓને તેમણે બોલાવ્યા; અને તેઓ તેમની પાસે આવ્યા.
- 14 ઈસુએ બાર પ્રેરિતોને નીમ્યા એ માટે કે તેઓ તેમની સાથે રહે અને તે તેઓને પ્રચાર કરવા મોકલે,
- 15 અને તેઓ અધિકાર પામીને દુષ્ટાત્માઓને કાઢે.
- 16 સિમોનનું નામ તેમણે પિતર પાડ્યું.
- 17 તથા ઝબદીનો દીકરો યાકૂબ તથા યાકૂબનો ભાઈ યોહાન તેઓનું નામ તેમણે ‘બને-રગેસ’ પાડ્યું, એટલે કે ‘ગર્જનાના દીકરા;’
- 18 અને આન્દ્રિયા, ફિલિપ, બર્થોલ્મી, માથ્થી, થોમા, અલ્ફીનો દીકરો યાકૂબ, થદી, સિમોન જે અતિ ઝનૂની માણસ હતો
- 19 તથા તેમને ધરપકડ કરનાર યહૂદા ઇશ્કારિયોત; એ બારને તેમણે નીમ્યા.
- 20 પછી તે એક ઘરમાં આવ્યા જ્યાં એટલા બધા લોકો ભેગા થયા કે તેઓ રોટલી પણ ખાઈ ન શક્યા.
- 21 તેમના સગાંઓ તે સાંભળીને તેમને પકડવા બહાર નીકળ્યાં; કેમ કે તેઓએ કહ્યું કે ‘તે અસ્થિર થઈ ગયો છે.’”
- 22 જે શાસ્ત્રીઓ યરુશાલેમથી આવ્યા હતા તેઓએ કહ્યું કે, ‘તેનામાં બાલઝબૂલ છે અને દુષ્ટાત્માઓનાં સરદારની મદદથી તે દુષ્ટાત્માઓને કાઢે છે.’”
- 23 તેમણે તેઓને પાસે બોલાવીને દ્રષ્ટાંતોમાં કહ્યું કે, ‹‘શેતાન શેતાનને કેવી રીતે હાંકી કાઢશે?›
- 24 ‹જો કોઈ રાજ્ય પોતામાં ભાગલો પડે, તો તે રાજ્ય સ્થિર રહી શકતું નથી.›
- 25 ‹જો કોઈ ઘરમાં ભાગલા પડે, તો તે ઘર સ્થિર રહી શકશે નહિ.›
- 26 ‹જો શેતાન પોતાની ખુદની સામે થયો હોય અને તેનામાં ફૂટ પડી હોય, તો તે નભી શકતો નથી; પણ તેનો અંત આવ્યો જાણવું.›
- 27 ‹બળવાનના ઘરમાં પેસીને જો કોઈ પહેલાં તે બળવાનને ન બાંધે તો તે તેનો સામાન લૂંટી શકતો નથી; પણ તેને બાંધ્યા પછી તે તેને લૂંટી શકશે.›
- 28 ‹હું તમને નિશ્ચે કહું છું કે, માણસોના દીકરાઓને અપરાધોની તથા જે દુર્ભાષણો તેઓ કરે તેની માફી મળશે.›
- 29 ‹પણ જે કોઈ પવિત્ર આત્માની વિરુદ્ધ દુર્ભાષણ કરશે તેને માફી કદી મળશે નહિ; પણ તેને માથે અનંતકાળના પાપનો દોષ રહે છે.’”›
- 30 કેમ કે તેઓ કહેતાં હતા કે તેને અશુદ્ધ આત્મા વળગેલો છે.
- 31 ત્યારે તેમના ભાઈઓ તથા તેમની મા આવ્યાં અને બહાર ઊભા રહીને તેમને બોલાવવા તેમની પાસે માણસ મોકલ્યો.
- 32 ઘણાં લોકો તેમની આસપાસ બેઠેલા હતા; અને તેઓએ તેમને કહ્યું કે, ‘જો તમારી મા તથા તમારા ભાઈઓ બહાર ઊભા છે અને તમને શોધે છે.’”
- 33 તેમણે તેઓને ઉત્તર આપતાં કહ્યું કે, ‹‘મારી મા તથા મારા ભાઈઓ કોણ છે?’”›
- 34 જેઓ તેમની આસપાસ બેઠા હતા તેઓ તરફ ચારેબાજુ જોઈને તે કહે છે કે, ‹‘જુઓ, મારી મા તથા મારા ભાઈઓ.›
- 35 ‹કેમ કે જે કોઈ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરશે તે જ મારો ભાઈ તથા મારી બહેન તથા મા છે.’”›