누가복음 18장 구자라트 IRV
- 1 સર્વદા પ્રાર્થના કરવી જોઈએ, અને નાહિંમત થવું નહિ, તે શીખવવા સારુ ઈસુએ એક દ્રષ્ટાંત તેઓને કહ્યું કે,
- 2 ‹‘એક શહેરમાં એક ન્યાયાધીશ હતો, જે ઈશ્વરથી બીતો ન હતો અને માણસને ગણકારતો ન હતો.›
- 3 ‹તે શહેરમાં એક વિધવા સ્ત્રી હતી; તે વારંવાર તેની પાસે આવતી હતી કે ‘મારા પ્રતિવાદીની પાસેથી મને ન્યાય અપાવ.’”›
- 4 ‹કેટલીક મુદત સુધી તે એમ કરવા ઇચ્છતો ન હતો; પણ પછીથી તેણે પોતાના મનમાં વિચાર્યું કે, જોકે હું ઈશ્વરથી બીતો નથી, અને માણસને ગણકારતો નથી,›
- 5 ‹તોપણ આ વિધવા સ્ત્રી મને તસ્દી આપે છે, માટે હું તેને ન્યાય અપાવીશ, કે જેથી તે વારેઘડીએ આવીને મને તંગ કરે નહિ.’”›
- 6 પ્રભુએ કહ્યું કે, ‹‘એ અન્યાયી ન્યાયાધીશ શું કહે છે તે સાંભળો.›
- 7 ‹એ ન્યાયાધીશની માફક ઈશ્વર પોતાના પસંદ કરેલા, જેઓ તેમની આગળ રાતદિવસ હાંક મારે છે, અને જેઓ વિષે તે ખામોશી રાખે છે, તેઓને શું ન્યાય નહિ આપશે?’”›
- 8 ‹હું તમને કહું છું કે, ‘તે જલદી તેઓને ન્યાય આપશે. પરંતુ માણસનો દીકરો આવશે, ત્યારે તેમને શું પૃથ્વી પર વિશ્વાસ જડશે?’”›
- 9 કેટલાક પોતાના વિષે ઘમંડ રાખતા હતા કે અમે ન્યાયી છીએ, અને બીજાને તુચ્છકારતા હતા, તેઓને પણ ઈસુએ આ દ્રષ્ટાંત કહ્યું કે,
- 10 ‹બે માણસો પ્રાર્થના કરવા સારુ ભક્તિસ્થાનમાં ગયા; એક ફરોશી, અને બીજો દાણી હતો.›
- 11 ‹ફરોશીએ ઊભા રહીને પોતાના મનમાં એવી પ્રાર્થના કરી કે, ‘ઓ ઈશ્વર, બીજા માણસોના જેવો જુલમી, અન્યાયી, વ્યભિચારી અથવા આ દાણીના જેવો હું નથી, માટે હું તમારી ઉપકારસ્તુતિ કરું છું.›
- 12 ‹અઠવાડિયામાં બે વાર હું ઉપવાસ કરું છું અને મારી બધી આવકનો દસમો ભાગ આપું છું.’”›
- 13 ‹પણ દાણીએ દૂર ઊભા રહીને પોતાની આંખો સ્વર્ગ તરફ ઊંચી કરવા ન ચાહતા, દુ:ખ સાથે છાતી કૂટીને કહ્યું કે, ‘ઓ ઈશ્વર, મુજ પાપી પર દયા કરો.’”›
- 14 ‹હું તમને કહું છું કે, ‘પેલા કરતા એ માણસ ન્યાયી ઠરીને પોતાને ઘરે ગયો; કેમ કે જે કોઈ પોતાને ઊંચો કરે છે તે નીચો કરાશે, અને જે પોતાને નીચો કરે છે તેને ઊંચો કરવામાં આવશે.’”›
- 15 તેઓ ઈસુ પાસે પોતાનાં બાળકો પણ લાવ્યા, એ સારુ કે તે તેઓને આશીર્વાદ આપે. પણ શિષ્યોએ તેઓને ધમકાવ્યાં.
- 16 તેથી ઈસુએ તેઓને બોલાવીને કહ્યું કે, ‹‘બાળકોને મારી પાસે આવવા દો, ને તેઓને અટકાવો નહિ; કેમ કે ઈશ્વરનું રાજ્ય એવાઓનું જ છે.›
- 17 ‹હું તમને નિશ્ચે કહું છું કે, જે કોઈ બાળકની માફક ઈશ્વરનું રાજ્ય સ્વીકારશે નહિ, તે તેમાં પ્રવેશી શકશે નહિ.’”›
- 18 એક અધિકારીએ ઈસુને પૂછ્યું કે, ‘ઉત્તમ ઉપદેશક, અનંતજીવનનો વારસો પામવા હું શું કરું?’”
- 19 ઈસુએ તેને કહ્યું કે, ‹‘તું મને ઉત્તમ કેમ કહે છે? એક એટલે ઈશ્વર વિના અન્ય કોઈ ઉત્તમ નથી.›
- 20 ‹તું આજ્ઞાઓ જાણે છે કે, વ્યભિચાર ન કર, હત્યા ન કર, ચોરી ન કર, જૂઠી સાક્ષી ન પૂર, પોતાના માબાપને માન આપ.’”›
- 21 તેણે કહ્યું કે, એ બધું તો હું મારા નાનપણથી પાળતો આવ્યો છું.’”
- 22 ઈસુએ તે સાંભળીને તેને કહ્યું કે, ‹‘તું હજી એક વાત સંબંધી અધૂરો છે; તારું જે છે તે બધું વેચી નાખ, અને તે ગરીબોને આપી દે, એટલે સ્વર્ગમાં તને દ્રવ્ય મળશે; પછી આવીને મારી પાછળ ચાલ.’”›
- 23 પણ એ સાંભળીને તે અતિ ઉદાસ થયો, કેમ કે તેની મિલકત ઘણી હતી.
- 24 ઈસુ તેને જોઈને ઉદાસ થયા અને કહ્યું કે, ‹‘જેઓ ધનવાન છે, તેઓને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવું એ ખૂબ અઘરું છે!›
- 25 ‹કેમ કે શ્રીમંતને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવા કરતાં ઊંટને સોયના નાકામાંથી પસાર થવું સહેલું છે.’”›
- 26 તે વચન સાંભળનારાઓએ કહ્યું કે, ‘તો કોણ ઉદ્ધાર પામી શકે?’”
- 27 પણ ઈસુએ કહ્યું કે, ‹‘માણસોને જે અશક્ય છે તે ઈશ્વરને શક્ય છે.’”›
- 28 પિતરે કહ્યું કે, ‘જુઓ, અમે પોતાનું બધું મૂકીને તમારી પાછળ આવ્યા છીએ.’”
- 29 ઈસુએ તેઓને કહ્યું કે, ‹હું તમને નિશ્ચે કહું છું કે, ‘જે કોઈએ ઘરને, પત્નીને, ભાઈઓને, માબાપને કે સંતાનોને ઈશ્વરના રાજ્યને લીધે ત્યાગ્યા હશે,›
- 30 ‹તેને આ જીવનકાળમાં અનેકગણું તથા આવનાર જમાનામાં અનંતજીવન પ્રાપ્ત થશે જ.’”›
- 31 ઈસુએ બારે શિષ્યોને પાસે બોલાવીને તેઓને કહ્યું કે,’ ‹જુઓ, આપણે યરુશાલેમ જઈએ છીએ, અને માણસના દીકરા સંબંધી પ્રબોધકોથી જે લખાયું છે તે સર્વ પૂરું કરાશે.›
- 32 ‹કેમ કે તેમને બિનયહૂદીઓને આધીન કરાશે, અને તેમની મશ્કરી તથા અપમાન કરાશે, અને તેમના પર તેઓ થૂંકશે;›
- 33 ‹વળી કોરડા મારીને તેઓ તેમને મારી નાખશે, અને ત્રીજે દિવસે તે પાછા સજીવન થશે.’”›
- 34 પણ તેમાંનું કંઈ તેઓના સમજવામાં આવ્યું; નહિ અને આ વાત તેઓથી ગુપ્ત રહી, અને જે કહેવામાં આવ્યું તે તેઓ સમજ્યા નહિ.
- 35 એમ થયું કે ઈસુ યરીખો પાસે આવતા હતા, ત્યારે માર્ગની બાજુએ એક અંધ જન બેઠો હતો, તે ભીખ માગતો હતો.
- 36 ઘણાં લોકો પાસે થઈને જતા હોય એવું સાંભળીને તેણે પૂછ્યું કે, ‘આ શું હશે?’”
- 37 તેઓએ તેને કહ્યું કે, ‘ઈસુ નાઝારી પાસે થઈને જાય છે.’”
- 38 તેણે બૂમ પાડીને કહ્યું કે, ‘ઓ ઈસુ, દાઉદના દીકરા, મારા પર દયા કરો.’”
- 39 જેઓ આગળ જતા હતા તેઓએ તેને ધમકાવ્યો, કે ‘ચૂપ રહે;’ પણ તેણે વધારે મોટેથી બૂમ પાડીને કહ્યું કે, ‘દાઉદના દીકરા, મારા પર દયા કરો.’”
- 40 ઈસુએ ઊભા રહીને તેને પોતાની પાસે લાવવાની આજ્ઞા કરી અને તે પાસે આવ્યો, ત્યારે ઈસુએ તેને પૂછ્યું કે,
- 41 ‹‘હું તારે માટે શું કરું, તારી ઇચ્છા શી છે?’› તેણે કહ્યું કે, ‘પ્રભુ હું દ્રષ્ટિ પામું.
- 42 ઈસુએ તેને કહ્યું કે, ‹‘તું દ્રષ્ટિ પામ; તારા વિશ્વાસે તને બચાવ્યો છે,’›
- 43 અને તરત તે દ્રષ્ટિ પામ્યો અને ઈશ્વરને મહિમા આપતો તે તેમની પાછળ ચાલ્યો; બધા લોકોએ તે જોઈને ઈશ્વરની સ્તુતિ કરી.