요한복음 1장 구자라트 IRV
- 1 પ્રારંભમાં શબ્દ હતા. તે ઈશ્વરની સાથે હતા. તે ઈશ્વર હતા.
- 2 તે જ પ્રારંભમાં ઈશ્વરની સાથે હતા.
- 3 તેમના થી જ સઘળું ઉત્પન્ન થયું; એટલે જે કંઈ ઉત્પન્ન થયું તે તેમના વિના થયું નહિ.
- 4 તેમનાંમાં જીવન હતું; તે જીવન માણસોનું અજવાળું હતું.
- 5 તે અજવાળું અંધારામાં પ્રકાશે છે, પણ અંધારાએ તેને બુજાવ્યું નહિ.
- 6 ઈશ્વરે મોકલેલો એક માણસ આવ્યો, તેનું નામ યોહાન હતું.
- 7 તે સાક્ષી માટે આવ્યો કે અજવાળા વિષે સાક્ષી કરાવે, કે જેથી સર્વ તેના દ્વારા વિશ્વાસ કરે.
- 8 યોહાન પોતે તે અજવાળું ન હતો, પણ અજવાળા વિષે સાક્ષી આપવાને આવ્યો હતો.
- 9 ખરું અજવાળું તે ઈસુ હતા કે, જે દુનિયામાં આવીને દરેક માણસને પ્રકાશ આપે છે.
- 10 તેઓ દુનિયામાં હતા અને તેમના દ્વારા દુનિયા ઉત્પન્ન થઇ છે અને મનુષ્યોએ તેમને ઓળખ્યા નહિ.
- 11 તે પોતાના લોકોની પાસે આવ્યા, પણ તેમણે તેમનો અંગીકાર કર્યો નહિ.
- 12 છતાં જેટલાંએ તેમનો અંગીકાર કર્યો, એટલે જેટલાં તેમના નામ પર વિશ્વાસ કરે છે, તેટલાંને તેમણે ઈશ્વરનાં સંતાન થવાનો અધિકાર આપ્યો.
- 13 તેઓ લોહીથી નહિ કે, દેહની ઇચ્છાથી નહિ કે, મનુષ્યની ઇચ્છાથી નહિ, પણ ઈશ્વરથી જન્મ પામ્યા.
- 14 અને શબ્દ સદેહ થઈને આપણામાં વસ્યા અને પિતાના એકનાએક પુત્રના મહિમા જેવો તેમનો મહિમા અમે જોયો; તે કૃપા તથા સત્યતાથી ભરપૂર હતા.
- 15 યોહાને તેમના વિષે સાક્ષી આપી અને પોકારીને કહ્યું કે, “જેમનાં વિષે મેં કહ્યું હતું કે, તેઓ એ જ છે, ‘જે મારી પાછળ આવે છે તે મારા કરતા પણ મોટો છે, કેમ કે તે મારી અગાઉ હતા.”
- 16 કેમ કે અમે સર્વ તેમની ભરપૂરીમાંથી કૃપા ઉપર કૃપા પામ્યા.
- 17 નિયમશાસ્ત્ર મૂસા દ્વારા આપવામાં આવ્યું; પણ કૃપા તથા સત્યતા ઈસુ ખ્રિસ્ત દ્વારા આવ્યાં.
- 18 ઈશ્વરને કોઈ માણસે કદી જોયા નથી; તેમનો એકનો એક દીકરો, કે જે પિતાની ગોદમાં છે, તેણે ઈશ્વરને પ્રગટ કર્યા છે.
- 19 જયારે યહૂદીઓએ યરુશાલેમથી યાજકોને તથા લેવીઓને યોહાન પાસે એવું પૂછવા મોકલ્યા કે, તું કોણ છે? ત્યારે તેની સાક્ષી આ હતી;
- 20 એટલે તેણે નકાર કર્યો નહિ, પણ કબૂલ કર્યું કે, “હું તો ખ્રિસ્ત નથી.”
- 21 તેઓએ તેને પૂછ્યું, “તો શું તું એલિયા છે?” તેણે કહ્યું, “હું તે નથી.” શું તું આવનાર પ્રબોધક છે? તેણે ઉત્તર આપ્યો કે, ‘ના.’”
- 22 માટે તેઓએ તેને પૂછ્યું કે, ‘તું કોણ છે?’ કે જેઓએ અમને મોકલ્યા તેઓને અમે ઉત્તર આપીએ. તું પોતાના વિષે શું કહે છે?
- 23 તેણે કહ્યું, “યશાયા પ્રબોધકે જે કહ્યું હતું કે “અરણ્યમાં પોકારનારની એવી વાણી કે, ‘પ્રભુનો માર્ગ તૈયાર કરો, તેમના રસ્તા સીધા કરો.’”
- 24 ફરોશીઓ તરફથી તેઓને મોકલવામાં આવ્યા હતા.
- 25 તેઓએ તેને પૂછ્યું કે, ‘જો તું તે ખ્રિસ્ત, એલિયા અથવા આવનાર પ્રબોધક નથી, તો તું બાપ્તિસ્મા કેમ આપે છે?’”
- 26 યોહાને તેઓને ઉત્તર આપ્યો કે, “હું પાણીથી બાપ્તિસ્મા આપું છું, પણ તમારી મધ્યે એક ઊભા છે, જેમને તમે ઓળખતા નથી;
- 27 તેઓ એ જ છે જે મારી પાછળ આવે છે અને તેમના ચંપલની દોરી છોડવા હું યોગ્ય નથી.”
- 28 યર્દનને પેલે પાર બેથાની જ્યાં યોહાન બાપ્તિસ્મા આપતો હતો, ત્યાં એ ઘટનાઓ ઘટી.
- 29 બીજે દિવસે તે પોતાની પાસે ઈસુને આવતા જોઈને કહે છે કે, “જુઓ, ઈશ્વરનું હલવાન, જે માનવજગતનું પાપ દૂર કરે છે!
- 30 તેઓ એ જ છે જેમનાં વિષે મેં કહ્યું હતું, ‘મારી પાછળ જે એક પુરુષ આવે છે, તે મારા કરતા પણ મોટો છે, કેમ કે તે મારી અગાઉ હતા.
- 31 મેં તેમને ઓળખ્યા ન હતા; પણ તે ઇઝરાયલની આગળ પ્રગટ થાય, માટે હું પાણીથી બાપ્તિસ્મા આપતો આવ્યો છું.’”
- 32 યોહાને સાક્ષી આપી કે, ‘મેં પવિત્ર આત્માને કબૂતરની જેમ સ્વર્ગથી ઊતરતા જોયા; અને તે તેમના પર રહ્યા.
- 33 મેં તેમને ઓળખ્યા ન હતા; પણ જેમણે મને પાણીથી બાપ્તિસ્મા આપવા મોકલ્યો, તેમણે જ મને કહ્યું હતું કે, જેમનાં પર તું આત્માને ઊતરતા તથા રહેતા જોશે, તે જ પવિત્ર આત્માથી બાપ્તિસ્મા કરનાર છે.
- 34 મેં જોયું છે અને સાક્ષી આપી છે કે આ જ ઈશ્વરના દીકરા છે.’”
- 35 વળી બીજે દિવસે યોહાન પોતાના બે શિષ્યોની સાથે ઊભો હતો.
- 36 તેણે ઈસુને ચાલતા જોઈને કહ્યું કે, ‘જુઓ, ઈશ્વરનું હલવાન!’”
- 37 તે બે શિષ્યો યોહાનનું બોલવું સાંભળીને ઈસુની પાછળ ગયા.
- 38 ઈસુએ ફરીને તેઓને પાછળ આવતા જોઈને કહ્યું કે, ‹‘તમે શું શોધો છો?’› તેઓએ તેમને કહ્યું, ‘રાબ્બી ‘એટલે ગુરુજી,’ તમે ક્યાં રહો છો?’”
- 39 તેમણે તેઓને કહ્યું કે, ‹‘આવી અને જુઓ.’› માટે તેઓ ગયા અને ઈસુ જ્યાં રહેતા હતા તે જોયું; તે દિવસે તેઓ ઈસુની સાથે રહ્યા; તે સમયે આશરે સાંજના ચાર વાગ્યા હતા.
- 40 જે બે શિષ્યો યોહાનનું બોલવું સાંભળીને તેમની પાછળ ગયા હતા, તેઓમાંનો એક સિમોન પિતરનો ભાઈ આન્દ્રિયા હતો.
- 41 તેણે પ્રથમ પોતાના ભાઈ સિમોનને મળીને કહ્યું કે, ‘મસીહ એટલે ખ્રિસ્ત અમને મળ્યા છે.’”
- 42 તે તેને ઈસુ પાસે લઈ આવ્યો. ઈસુએ તેની સામે જોઈને કહ્યું કે, ‹‘તું યોનાનો દીકરો સિમોન છે. તું પિતર એટલે કેફા કહેવાશે જેનો અર્થ છે પથ્થર.’”›
- 43 બીજે દિવસે ઈસુને ગાલીલમાં જવાની ઇચ્છા થઈ અને તેમણે ફિલિપને મળીને કહ્યું કે, ‹‘મારી પાછળ આવ.’”›
- 44 હવે ફિલિપ તો બેથસાઈદાનો એટલે આન્દ્રિયા તથા પિતરના શહેરનો હતો.
- 45 ફિલિપે નથાનિયેલને મળીને કહ્યું કે, ‘નિયમશાસ્ત્રમાં જેમનાં સંબંધી મૂસાએ તથા પ્રબોધકોએ લખેલું છે તેઓ, એટલે નાસરેથના ઈસુ, યૂસફના દીકરા, અમને મળ્યા છે.’”
- 46 નથાનિયેલે તેને પૂછ્યું, ‘શું નાસરેથમાંથી કંઈ સારું નીકળી શકે?’ ફિલિપ તેને કહે છે કે, ‘આવ અને જો.’”
- 47 ઈસુ નથાનિયેલને પોતાની પાસે આવતો જોઈને તેને વિષે કહે છે, ‹‘જુઓ, આ સાચો ઇઝરાયલી છે, એનામાં કંઈ કપટ નથી!’›
- 48 નથાનિયેલે ઈસુને કહ્યું કે, ‘તમે મને ક્યાંથી ઓળખો છો?’ ઈસુએ તેને જવાબ આપ્યો, ‹‘ફિલિપે તને બોલાવ્યો તે પહેલાં, તું અંજીરી નીચે હતો, ત્યારે મેં તને જોયો.’”›
- 49 નથાનિયેલે તેમને જવાબ આપ્યો, ‘ગુરુજી, તમે ઈશ્વરના દીકરા છો; તમે ઇઝરાયલના રાજા છો.’”
- 50 ઈસુએ તેને કહ્યું કે, ‹‘મેં તને અંજીરી નીચે જોયો એવું કહ્યું તેથી શું તું વિશ્વાસ કરે છે? આ કરતાં તું મોટી બાબતો જોશે.’”›
- 51 ઈસુએ તેને કહ્યું, ‹‘હું તને ખરેખર કહું છું કે, તું સ્વર્ગ ઊઘડેલું અને ઈશ્વરના સ્વર્ગદૂતોને માણસના દીકરા ઉપર ચઢતાં અને ઊતરતા જોશે.’”›