요한복음 10장 구자라트 IRV
- 1 ‹હું તમને નિશ્ચે કહું છું કે, ‘જે દરવાજામાંથી ઘેટાંના વાડામાં પ્રવેશતો નથી, પણ બીજે કોઈ રસ્તેથી પ્રવેશે છે, તે ચોર તથા લૂંટારો છે.›
- 2 ‹પણ દરવાજામાંથી જે પ્રવેશે છે, તે ઘેટાંપાળક છે.›
- 3 ‹દ્વારપાળ તેને સારુ દ્વાર ઉઘાડે છે; અને ઘેટાં તેનો અવાજ સાંભળે છે; અને તે પોતાનાં ઘેટાંને નામ લઈને બોલાવે છે અને તેઓને બહાર દોરીને લઈ જાય છે.›
- 4 ‹જયારે તે પોતાનાં સર્વ ઘેટાંને બહાર લાવે છે, ત્યારે તે તેઓની આગળ ચાલે છે અને ઘેટાં તેની પાછળ પાછળ ચાલે છે; કેમ કે તેઓ તેનો અવાજ ઓળખે છે.›
- 5 ‹તેઓ અજાણ્યાની પાછળ ચાલશે નહિ, પણ તેની પાસેથી નાસી જશે; કેમ કે તેઓ અજાણ્યાનો અવાજ ઓળખતા નથી.’”›
- 6 ઈસુએ તેઓને દૃષ્ટાંતમાં કહ્યું, પણ જે વાતો તેમણે તેઓને કહી તે તેઓ સમજ્યા નહિ.
- 7 તેથી ઈસુએ ફરીથી તેઓને કહ્યું કે, ‹‘હું તમને નિશ્ચે કહું છું કે, ઘેટાંનું પ્રવેશદ્વાર હું છું.›
- 8 ‹જેટલાં મારી અગાઉ આવ્યા, તેઓ સર્વ ચોર તથા લૂંટારા છે; પણ ઘેટાંએ તેઓનું સાંભળ્યું નહિ.›
- 9 ‹પ્રવેશદ્વાર હું છું, મારા દ્વારા જે કોઈ પ્રવેશે, તે ઉદ્ધાર પામશે, તે અંદર આવશે અને બહાર જશે અને તેને ચરવાનું મળશે.›
- 10 ‹ચોરી કરવા, મારી નાખવા તથા નાશ કરવા સિવાય બીજાકોઈ મતલબથી ચોર આવતો નથી. પણ હું તો તેઓને જીવન મળે અને તે પુષ્કળ મળે, માટે હું આવ્યો છું.›
- 11 ‹ઉત્તમ ઘેટાંપાળક હું છું; ઉત્તમ ઘેટાંપાળક ઘેટાંને સારુ પોતાનો જીવ આપે છે.›
- 12 ‹જે નોકર છે અને ઘેટાંપાળક નથી, એટલે જે પોતે ઘેટાંનો માલિક નથી, તે વરુને આવતું જોઈને ઘેટાંને મૂકીને નાસી જાય છે; પછી વરુ તેઓને પકડીને વિખેરી નાખે છે.›
- 13 ‹તે નાસી જાય છે, કેમ કે તે નોકર છે અને ઘેટાંની તેને કંઈ ચિંતા નથી.›
- 14 ‹ઉત્તમ ઘેટાંપાળક હું છું અને પોતાનાં ઘેટાંને ઓળખું છું અને મારા પોતાનાં ઘેટાં મને ઓળખે છે.›
- 15 ‹જેમ પિતા મને ઓળખે છે અને હું પિતાને ઓળખું છું તેમ મારાં પોતાનાં મને ઓળખે છે; અને ઘેટાંને સારુ હું મારો જીવ આપું છું.›
- 16 ‹મારાં બીજાં ઘેટાં પણ છે, તેઓ આ વાડામાંના નથી; તેઓને પણ મારે લાવવાની જરૂર છે અને તેઓ મારો અવાજ સાંભળશે; અને એક ટોળું, એક ઘેટાંપાળક થશે.›
- 17 ‹પિતા મારા પર પ્રેમ કરે છે, કારણ કે હું મારો જીવ આપું છું કે હું તે પાછો લઉં.›
- 18 ‹કોઈ મારી પાસેથી તે લેતો નથી, પણ હું મારી પોતાની જાતે તે આપું છું; તે આપવાનો મને અધિકાર છે અને પાછો લેવાનો પણ મને અધિકાર છે; તે આજ્ઞા મને મારા પિતા તરફથી મળી છે.’”›
- 19 આ વાતોને લીધે યહૂદીઓમાં ફરીથી ભાગલા પડ્યા.
- 20 તેઓમાંના ઘણાંએ કહ્યું કે, ‘તેને દુષ્ટાત્મા વળગેલું છે અને તે પાગલ છે; તમે તેનું કેમ સાંભળો છો?’”
- 21 બીજાઓએ કહ્યું કે, ‘દુષ્ટાત્મા વળગેલા માણસની તે વાતો નથી. શું ભૂત અંધજનોની આંખો ઉઘાડી શકે છે?’”
- 22 હવે યરુશાલેમમાં અર્પણ કરવાનું પર્વ હતું; અને તે શિયાળાનો સમય હતો.
- 23 ઈસુ ભક્તિસ્થાનમાં સુલેમાનની પરસાળમાં ફરતા હતા.
- 24 ત્યારે યહૂદીઓએ તેમની આસપાસ ફરી વળીને તેમને કહ્યું, ‘તમે ક્યાં સુધી અમને સંદેહમાં રાખશો? જો તમે ખ્રિસ્ત હો તો તે અમને સ્પષ્ટ કહો.’”
- 25 ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે, ‹‘મેં તો તમને કહ્યું, પણ તમે વિશ્વાસ કરતા નથી. મારા પિતાને નામે જે કામો હું કરું છું, તેઓ મારા વિષે સાક્ષી આપે છે.›
- 26 ‹તોપણ તમે વિશ્વાસ કરતા નથી, કેમ કે તમે મારાં ઘેટાં નથી.›
- 27 ‹મારાં ઘેટાં મારો અવાજ સાંભળે છે, હું તેઓને ઓળખું છું અને તેઓ મારી પાછળ આવે છે.›
- 28 ‹હું તેઓને અનંતજીવન આપું છું; કદી તેઓનો નાશ થશે નહિ અને મારા હાથમાંથી કોઈ તેઓને છીનવી લેશે નહિ.›
- 29 ‹મારા પિતા, જેમણે મને તેઓને આપ્યાં છે, તે સહુથી મહાન છે; અને પિતાના હાથમાંથી કોઈ તેઓને છીનવી લેવા સમર્થ નથી.›
- 30 ‹હું તથા પિતા એક છીએ.’”›
- 31 ત્યારે યહૂદીઓએ તેમને મારવાને ફરીથી પથ્થર હાથમાં લીધા.
- 32 ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે, ‹‘મેં પિતા તરફથી તમને ઘણાં સારાં કામો બતાવ્યાં છે, તેઓમાંના કયા કામને લીધે મને પથ્થર મારો છો?’”›
- 33 યહૂદીઓએ તેમને ઉત્તર આપ્યો કે, ‘કોઈ સારા કામને લીધે અમે તમને પથ્થર મારતા નથી, પણ દુર્ભાષણને કારણે; અને તમે માણસ હોવા છતાં પોતાને ઈશ્વર ઠરાવો છો, તેને કારણે.’”
- 34 ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, ‹“હું કહું છું કે, ‘તમે દેવો છો’ એ શું તમારા નિયમશાસ્ત્રમાં લખેલું નથી?›
- 35 ‹જેઓની પાસે ઈશ્વરનું વચન આવ્યું, તેઓને જો તેમણે દેવો કહ્યાં તેથી શાસ્ત્રવચનનો ભંગ થતો નથી,›
- 36 ‹તો જેને પિતાએ પવિત્ર કરીને દુનિયામાં મોકલ્યા, તેમણે કહ્યું કે, હું ઈશ્વરનો દીકરો છું; તો શું તમે તેમને એમ કહો છો કે તમે દુર્ભાષણ કરો છો?›
- 37 ‹જો હું મારા પિતાનાં કામ કરતો નથી, તો મારા પર વિશ્વાસ ન કરો.›
- 38 ‹પણ જો હું કરું છું, તો જોકે તમે મારા પર વિશ્વાસ ન કરો, તોપણ તે કામો પર વિશ્વાસ કરો; જેથી તમે જાણો અને સમજો કે, પિતા મારામાં છે અને હું પિતામાં છું.’”›
- 39 ત્યારે તેઓએ ફરીથી તેમને પકડવાનો પ્રયત્ન કર્યો, પણ ઈસુ તેઓના હાથમાંથી સરકી ગયા.
- 40 પછી ઈસુ યર્દન નદીને સામે કિનારે, જ્યાં પહેલાં યોહાન બાપ્તિસ્મા આપતો હતો, તે સ્થળે પાછા ગયા, અને ત્યાં રહ્યા.
- 41 ઘણાં લોકો તેમની પાસે આવ્યા; તેઓએ કહ્યું, ‘યોહાને કંઈ ચમત્કારિક ચિહ્નો કર્યા ન હતા તે સાચું; પણ યોહાને એમને વિષે જે જે કહ્યું, તે બધું સત્ય હતું.’”
- 42 ઘણાં લોકોએ તેમના પર વિશ્વાસ કર્યો.