요한복음 16장 구자라트 IRV
- 1 ‹‘કોઈ તમને ગેરમાર્ગે દોરે નહિ, માટે મેં તમને એ વચનો કહ્યાં છે.›
- 2 ‹તેઓ તમને સભાસ્થાનોમાંથી કાઢી મૂકશે; ખરેખર, એવો સમય આવે છે કે જો કોઈ તમને મારી નાખે તો તે ઈશ્વરની સેવા કરે છે, એમ તેને લાગશે.›
- 3 ‹તેઓ પિતાને તથા મને જાણતા નથી, માટે તેઓ એ કામો કરશે.›
- 4 ‹પણ જયારે તે સમય આવે ત્યારે તમે યાદ કરો કે મેં તે તમને કહ્યું હતું, માટે એ વચનો મેં તમને કહ્યાં છે. અગાઉ મેં એ વચનો તમને કહ્યાં ન હતાં, કેમ કે હું તમારી સાથે હતો.›
- 5 ‹પણ હવે હું મારા મોકલનારની પાસે જાઉં છું; અને તમે ક્યાં જાઓ છો એવું તમારામાંનો કોઈ મને પૂછતો નથી.›
- 6 ‹પણ મેં તમને એ વચનો કહ્યાં છે, માટે તમારાં મન શોકથી ભરપૂર છે.›
- 7 ‹તોપણ હું તમને સત્ય કહું છું; મારું જવું તમને હિતકારક છે; કેમ કે જો હું નહિ જાઉં, તો સહાયક તમારી પાસે આવશે નહીં; પણ જો હું જાઉં, તો હું તેમને તમારી પાસે મોકલી આપીશ.›
- 8 ‹જયારે તેઓ આવશે ત્યારે તેઓ પાપ વિષે, ન્યાયીપણા વિષે તથા ન્યાય ચૂકવવા વિષે જગતને ખાતરી કરી આપશે;›
- 9 ‹પાપ વિષે, કેમ કે તેઓ મારા પર વિશ્વાસ કરતા નથી;›
- 10 ‹ન્યાયીપણા વિષે, કેમ કે હું પિતાની પાસે જાઉં છું, અને હવેથી તમે મને જોશો નહિ;›
- 11 ‹ન્યાયચુકાદા વિષે, કેમ કે આ જગતના અધિકારીનો ન્યાય કરવામાં આવ્યો છે.›
- 12 ‹હજુ પણ મારે તમને ઘણી વાતો કહેવાની છે, પણ હમણાં તે તમે સમજી શકો તેમ નથી.›
- 13 ‹તોપણ જયારે સત્યનો આત્મા આવશે, ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે; કેમ કે તે પોતાના તરફથી કહેશે નહિ; પણ જે કંઈ તે સાંભળશે તે જ તે કહેશે; અને જે જે થવાનું છે તે તમને કહી બતાવશે.›
- 14 ‹તે મને મહિમાવાન કરશે, કેમ કે મારું જે છે તેમાંથી તે લઈને તમને કહી બતાવશે.›
- 15 ‹જે પિતાનાં છે, તે સર્વ મારાં છે; માટે મેં કહ્યું કે, મારું જે છે તેમાંથી લઈને તે તમને કહી બતાવશે.›
- 16 ‹થોડીવાર પછી તમે મને જોશો નહિ; અને ફરી થોડીવાર પછી તમે મને જોશો.’”›
- 17 એથી તેમના શિષ્યોમાંના કેટલાકે એકબીજાને કહ્યું, ‘ઈસુ આપણને કહે છે કે, ‹થોડીવાર પછી તમે મને જોશો નહિ; અને ફરી થોડીવાર પછી તમે મને જોશો, કેમ કે હું પિતાની પાસે જાઉં છું,› તે શું હશે?’”
- 18 તેઓએ કહ્યું કે, ‹‘થોડીવાર પછી,› એમ ઈસુ કહે છે તે શું છે? ઈસુ શું કહે છે એ આપણે સમજતા નથી.’”
- 19 તેઓ મને કશું પૂછવા ઇચ્છે છે, એ ઈસુએ જાણ્યું, તેથી તેમણે તેઓને કહ્યું કે, ‹થોડીવાર પછી તમે મને જોશો નહિ, અને ફરી થોડીવાર પછી તમે મને જોશો, એ જે મેં કહ્યું, તે વિષે તમે અંદરોઅંદર શું પૂછો છો?›
- 20 ‹હું તમને નિશ્ચે કહું છું કે, ‘તમે રડશો અને શોક કરશો, પણ આ જગત આનંદ કરશે; તમે ઉદાસ થશો, પણ તમારી ઉદાસી આનંદમાં પલટાઈ જશે.’”›
- 21 ‹જયારે સ્ત્રીને પ્રસવવેદના થતી હોય છે ત્યારે તેને દુઃખ થાય છે, કેમ કે તેનો સમય આવ્યો હોય છે; પણ બાળકનો જન્મ થયા પછી, દુનિયામાં બાળક જનમ્યું છે તેના આનંદથી તે દુઃખ તેને ફરીથી યાદ આવતું નથી.›
- 22 ‹હમણાં તો તમે ઉદાસ છો ખરા; પણ હું ફરી તમને મળીશ ત્યારે તમે તમારા મનમાં આનંદ પામશો, અને તમારો આનંદ તમારી પાસેથી કોઈ છીનવી લેનાર નથી.›
- 23 ‹તે દિવસે તમે મને કંઈ પૂછશો નહિ. હું તમને નિશ્ચે કહું છું કે, જેથી તમે મારે નામે પિતાની પાસે જે કંઈ માગો તે તમને તે આપે.›
- 24 ‹હજી સુધી તમે મારે નામે કંઈ માગ્યું નથી; માગો અને તમને મળશે, એ માટે તમારો આનંદ સંપૂર્ણ થાય.›
- 25 ‹એ વાતો મેં તમને દ્રષ્ટાંતોમાં કહી છે; એવો સમય આવે છે કે જયારે હું દ્રષ્ટાંતોમાં તમારી સાથે બોલીશ નહિ, પણ પિતા સંબંધી હું તમને સ્પષ્ટ રીતે કહી સંભળાવીશ.›
- 26 ‹તે દિવસે તમે મારે નામે માગશો; અને હું તમને એમ નથી કહેતો કે હું તમારે માટે પિતાને પ્રાર્થના કરીશ;›
- 27 ‹કારણ કે પિતા પોતે તમારા પર પ્રેમ કરે છે, કેમ કે તમે મારા પર પ્રેમ રાખ્યો છે અને વિશ્વાસ પણ કર્યો છે કે હું પિતાની પાસેથી આવ્યો છું.›
- 28 ‹હું પિતા પાસેથી આ દુનિયામાં આવ્યો છું અને હવે હું આ દુનિયા ત્યજીને પિતાની પાસે જાઉં છું.’”›
- 29 તેમના શિષ્યો કહે છે કે, ‘હવે તમે સ્પષ્ટ રીતે બોલો છો અને કંઈ દ્રષ્ટાંતોમાં બોલતા નથી.
- 30 હવે અમે જાણીએ છીએ કે તમે સઘળી બાબતો જાણો છો; અને કોઈ માણસ તમને કંઈ પૂછે એવી અગત્ય નથી; તેથી અમે વિશ્વાસ કરીએ છીએ કે તમે ઈશ્વર પાસેથી આવ્યા છો.’”
- 31 ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે, ‹‘શું હવે તમે વિશ્વાસ કરો છો?›
- 32 ‹જુઓ, એવો સમય આવે છે, હા, હમણાં જ આવ્યો છે કે, તમે દરેક માણસ પોતપોતાની ગમ વિખેરાઈ જશો અને તમે મને એકલો મૂકશો. તે છતાં પણ હું એકલો નથી, કેમ કે પિતા મારી સાથે છે.›
- 33 ‹મેં તમને એ વાતો કહી છે કે, ‘મારામાં તમને શાંતિ પ્રાપ્ત થાય. દુનિયામાં તમને સંકટ છે; પણ હિંમત રાખો; મેં જગતને જીત્યું છે.’”›