로마서 2장 구자라트 IRV
- 1 તેથી, હે બીજાઓનો ન્યાય કરનાર મનુષ્ય, તું ગમે તે હોય, પણ બહાનું કાઢી શકશે નહિ, કેમ કે જે વિષે તું બીજાનો ન્યાય કરે છે તેમાં તું પોતાને અપરાધી ઠરાવે છે; કેમ કે ન્યાય કરનાર તું પોતે પણ એવાં જ કામ કરે છે.
- 2 પણ આપણે જાણીએ છીએ કે એવો વ્યવહાર કરનારાઓ પર ઈશ્વરનો ન્યાયચુકાદો સત્યને આધારે આવે છે.
- 3 અને, હે મનુષ્ય, તું એવાં કામ કરનારનો ન્યાય કરે છે અને પોતે જ તે પ્રમાણે કરે છે. શું તું ઈશ્વરના ન્યાયમાં બચશે ખરો?
- 4 અથવા ઈશ્વરની દયા તને પસ્તાવા તરફ પ્રેરે છે એવી અજ્ઞાનતામાં શું તેમની દયાની, સહનશીલતાની અને ધીરજની સંપત્તિને તુચ્છ ગણે છે?
- 5 તું તો તારા કઠણ અને પશ્ચાતાપ વિનાના હૃદયને લીધે પોતાને સારુ ઈશ્વરીય કોપના દિવસને માટે કોપનો સંગ્રહ કરે છે કે જયારે ઈશ્વરનો સચોટ ન્યાયચુકાદો જાહેર થશે.
- 6 તે દરેકને પોતપોતાનાં કામ પ્રમાણે બદલો આપશે.
- 7 એટલે જેઓ ધીરજથી સારાં કામ કરીને, પ્રશંસા, માન અને અવિનાશીપણું શોધે છે, તેઓને અનંતજીવન.
- 8 પણ જેઓ સ્વાર્થી, સત્યનું પાલન ન કરનારા પણ અન્યાયનું પાલન કરનાર છે,
- 9 તેઓના ઉપર કોપ, ક્રોધ, વિપત્તિ અને વેદના આવશે, દુષ્ટતા કરનાર દરેક મનુષ્ય પર આવશે, પ્રથમ યહૂદી પર અને પછી ગ્રીક પર.
- 10 પણ સારું કરનાર દરેક પર, પ્રશંસા, માન અને શાંતિ આવશે, પ્રથમ યહૂદી પર અને પછી ગ્રીક પર;
- 11 ઈશ્વર પાસે પક્ષપાત નથી.
- 12 કેમ કે જેટલાંએ નિયમશાસ્ત્ર વગર પાપ કર્યું, તેઓ નિયમશાસ્ત્ર વગર નાશ પામશે; અને જેટલાંએ નિયમશાસ્ત્ર પામ્યા છતાં પાપ કર્યું, તેઓનો ન્યાય નિયમશાસ્ત્ર પ્રમાણે કરવામાં આવશે.
- 13 કેમ કે નિયમશાસ્ત્ર સાંભળનારાં ઈશ્વરની દ્રષ્ટિમાં ન્યાયી નથી પણ નિયમશાસ્ત્ર પાળનારા ન્યાયી ઠરશે;
- 14 કેમ કે બિનયહૂદીઓ જેઓની પાસે નિયમશાસ્ત્ર નથી, તેઓ જયારે સ્વાભાવિક રીતે નિયમશાસ્ત્ર પ્રમાણે કરે છે, ત્યારે તેઓને નિયમ ન છતાં તેઓ પોતાને માટે નિયમરૂપ છે.
- 15 તેઓની પ્રેરકબુદ્ધિ તેઓની સાથે સાક્ષી આપે છે અને તેઓના વિચાર પોતાને દોષિત અથવા નિર્દોષ ઠરાવે છે અને તે પ્રમાણે તેઓ પોતાના અંતઃકરણમાં લખેલ નિયમશાસ્ત્ર મુજબનું કામ દેખાડે છે;
- 16 ઈશ્વર મારી સુવાર્તા પ્રમાણે ઈસુ ખ્રિસ્તની મારફતે મનુષ્યોના ગુપ્ત કામોનો ન્યાય કરશે, તે દિવસે એમ થશે.
- 17 પણ જો તું પોતાને યહૂદી કહે છે અને નિયમશાસ્ત્ર પર આધાર રાખે છે, ઈશ્વરમાં ગૌરવ ધરાવે છે,
- 18 તેમની ઇચ્છા જાણે છે, નિયમશાસ્ત્ર શીખેલો હોઈને જે જુદું છે તે પારખી લે છે
- 19 જો પોતાના વિષે એવી ખાતરી રાખે છે કે તું દ્રષ્ટિહીનોને દોરનાર, જે અંધકારમાં છે તેઓને પ્રકાશ આપનાર,
- 20 બુદ્ધિહીનોનો શિક્ષક, બાળકોને શીખવનાર છે અને તને નિયમશાસ્ત્રમાં જ્ઞાન અને સત્યનું સ્વરૂપ પ્રાપ્ત થયું છે.
- 21 ત્યારે બીજાને શીખવનાર, શું તું પોતાને શીખવતો નથી? ચોરી ન કરવી એવો ઉપદેશ આપનાર, શું તું પોતે ચોરી કરે છે?
- 22 વ્યભિચાર ન કરવો એવું કહેનાર, શું તું વ્યભિચાર કરે છે? મૂર્તિઓથી કંટાળનાર, શું તું ભક્તિસ્થાનોને લૂંટે છે?
- 23 તું જે નિયમશાસ્ત્ર વિષે ગર્વ કરે છે તે નિયમશાસ્ત્રનો ભંગ કરીને શું ઈશ્વરનું અપમાન કરે છે?
- 24 કેમ કે શાસ્ત્રમાં લખ્યું છે તે પ્રમાણે ‘તમારે લીધે બિનયહૂદીઓમાં ઈશ્વરનું નામ નિંદાપાત્ર થાય છે.’”
- 25 જો તું નિયમશાસ્ત્ર પાળનાર હોય, તો સુન્નત લાભકારક છે ખરી; પણ જો તું નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન કરનાર હોય, તો તે તારી સુન્નત બેસુન્નત થઈ જાય છે.
- 26 માટે જો બેસુન્નતી માણસ નિયમશાસ્ત્રના વિધિઓ પાળે તો શું તેની બેસુન્નત સુન્નત તરીકે નહિ ગણાય?
- 27 શરીરથી જે બેસુન્નતીઓ છે તેઓ નિયમ પાળીને તને એટલે કે જેની પાસે પવિત્રશાસ્ત્ર અને સુન્નત હોવા છતાં નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન કરનારને, શું અપરાધી નહિ ઠરાવશે?
- 28 કેમ કે જે દેખીતો યહૂદી તે યહૂદી નથી અને જે દેખીતી એટલે શરીરની સુન્નત તે સુન્નત નથી.
- 29 પણ જે આંતરિક રીતે યહૂદી છે તે જ સાચો યહૂદી છે; અને જે સુન્નત હૃદયની, એટલે કેવળ શાસ્ત્રવચન પ્રમાણેની નહિ પણ આત્મિક, તે જ સાચી સુન્નત છે; અને તેની પ્રશંસા મનુષ્ય તરફથી નથી, પણ ઈશ્વર તરફથી છે.