고린도전서 12장 구자라트 IRV
- 1 હવે, ભાઈઓ, આત્મિક દાનો વિષે તમે અજાણ્યા રહો એવી મારી ઇચ્છા નથી.
- 2 તમે જાણો છો કે, તમે વિદેશીઓ હતા, ત્યારે જેમ કોઈ તમને દોરી જાય તેમ મૂંગી મૂર્તિઓ પાછળ તમે દોરવાઈ જતા હતા.
- 3 માટે હું તમને જણાવું છું કે, ઈશ્વરના આત્માથી બોલનારો કોઈ માણસ ઈસુને શાપપાત્ર કહેતો નથી; અને કોઈ માણસ, પવિત્ર આત્મા વિના, ‘ઈસુ પ્રભુ છે,’ એવું કહી શકતો નથી.
- 4 કૃપાદાનો અનેક પ્રકારનાં છે, તોપણ આત્મા તો એકનાએક જ છે;
- 5 સેવાઓ અનેક પ્રકારની છે, પણ પ્રભુ એકનાએક જ છે.
- 6 કાર્યો અનેક પ્રકારનાં છે, પણ ઈશ્વર એકનાએક જ છે, તે સર્વમાં કાર્યરત છે.
- 7 પણ આત્માનું સ્પષ્ટીકરણ પ્રત્યેકના સામાન્ય ઉપયોગને માટે અપાયેલું છે.
- 8 કેમ કે એકને આત્માથી જ્ઞાનની વાત અપાઈ છે; તો કોઈને એ જ આત્માથી વિદ્યાની વાત અપાઈ છે.
- 9 કોઈને એ જ આત્માથી વિશ્વાસ; અને કોઈને એ જ આત્માથી સાજાં કરવાના કૃપાદાન;
- 10 કોઈને પરાક્રમી કામો કરવાનું; અને કોઈને પ્રબોધ કરવાનું; કોઈને આત્માઓને પારખી જાણવાનું, કોઈને અલગ અલગ ભાષાઓ બોલવાનું અને કોઈને ભાષાંતર કરવાનું કૃપાદાન અપાયેલું છે.
- 11 પણ પોતાની ઇચ્છા પ્રમાણે પ્રત્યેકને કૃપાદાન વહેંચી આપનાર અને સર્વ શક્ય કરનાર એ ને એ જ આત્મા છે.
- 12 કેમ કે જેમ શરીર એક છે, અને તેનાં અંગો ઘણાં છે, તે એક શરીરનાં અંગો ઘણાં હોવા છતાં સર્વ અંગો મળીને એક શરીર છે, તેમ ખ્રિસ્ત પણ છે.
- 13 કેમ કે આપણે યહૂદી કે ગ્રીક, દાસ કે સ્વતંત્ર, સર્વ એક શરીરમાં એક આત્માથી બાપ્તિસ્મા પામ્યા; અને સર્વને એક આત્મા પ્રદાન કરવામાં આવ્યાં છે.
- 14 પણ શરીર તો એક અંગનું નથી, પણ ઘણાં અંગોનું છે.
- 15 જો પગ કહે કે, હું હાથ નથી એ માટે હું શરીરનો નથી, તો તેથી શું તે શરીરનો નથી?
- 16 જો કાન કહે કે, હું આંખ નથી માટે હું શરીરનો નથી, તો શું તેથી તે શરીરનો નથી?
- 17 જો આખું શરીર આંખ હોત તો કાન ક્યાં હોત? જો આખું શરીર કાન હોત તો જ્ઞાનેન્દ્રિય ક્યાં હોત?
- 18 પણ હવે ઈશ્વરે દરેક અંગને પોતાની મરજી પ્રમાણે શરીરમાં ગોઠવેલું છે.
- 19 જો સર્વ એક અંગ હોત, તો શરીર ક્યાં હોત?
- 20 પણ હવે અંગો ઘણાં છે પણ શરીર એક જ છે.
- 21 આંખ હાથને કહી શકતી નથી કે મને તારી જરૂર નથી; અથવા માથું પગને કહી શકતું નથી કે, મને તારી જરૂર નથી.
- 22 વળી શરીરનાં જે અંગો ઓછા માનપત્ર દીસે છે તેઓની વિશેષ અગત્ય છે;
- 23 શરીરનાં જે ભાગો નબળા દીસે છે તેઓને આપણે વધતું માન આપીએ છીએ; અને એમ આપણા કદરૂપાં અંગો વધારે શોભાયમાન કરાય છે.
- 24 આપણાં સુંદર અંગોને એવી જરૂર નથી. પણ જેનું માન ઓછું હતું તેને ઈશ્વરે વધારે માન આપીને, શરીરને ગોઠવ્યું છે.
- 25 એવું કે શરીરમાં ફૂટ પડે નહિ, પણ અંગો એકબીજાની એક સરખી કાળજી રાખે.
- 26 અને જો એક અંગ દુઃખી થાય, તો તેની સાથે સર્વ અંગો પણ દુઃખી થાય છે; જો એક અંગને માન મળે, તો તેની સાથે સર્વ અંગો ખુશ થાય છે.
- 27 હવે તમે ખ્રિસ્તનું શરીર, અને તેના જુદાંજુદાં અંગો છો.
- 28 ઈશ્વરે મંડળીમાં કેટલાકને નીમ્યા છે, તે આ પ્રમાણે છે; પ્રથમ પ્રેરિતો, બીજા પ્રબોધકો, ત્રીજા ઉપદેશકો, પછી પરાક્રમી કામો કરનારા, પછી સાજાપણાંના કૃપાદાનો, સહાયકો, વહીવટકર્તાઓ અને વિવિધ ભાષા બોલનારાઓ.
- 29 શું બધા પ્રેરિતો છે? શું બધા પ્રબોધકો છે? શું બધા ઉપદેશકો છે? શું આપણે બધા પરાક્રમી કામો કરીએ છીએ?
- 30 શું બધાને સાજાં કરવાના કૃપાદાન છે? શું બધા વિવિધ ભાષાઓ બોલે છે? શું બધા ભાષાંતર કરે છે?
- 31 જે કૃપાદાનો વધારે ઉત્તમ છે તેઓને પ્રાપ્ત કરવાની ઉત્કંઠા રાખો; તોપણ હું તમને એ કરતાં ઉત્તમ માર્ગ બતાવું છું.