갈라디아서 6장 구자라트 IRV
- 1 ભાઈઓ, જો કોઈ માણસ કંઈ અપરાધ કરતાં પકડાય, તો તમે, જે આત્મિક છો, તેઓ નમ્રભાવે તેને સાચા માર્ગે પાછો લાવો; અને તું તારી પોતાની સંભાળ રાખ, રખેને તું પણ પરીક્ષણમાં પડે.
- 2 તમે એકબીજાના ભાર ઊંચકો અને એમ ખ્રિસ્તનાં નિયમનું સંપૂર્ણ પાલન કરો.
- 3 કેમ કે જયારે કોઈ પોતે નજીવો હોવા છતાં, હું મોટો છું, એવું ધારે છે, તો તે પોતાને છેતરે છે.
- 4 દરેક માણસે પોતાનાં આચરણ તપાસવાં, અને ત્યારે તેને બીજાકોઈ વિષે નહિ, પણ કેવળ પોતાને વિષે અભિમાન કરવાનું કારણ મળશે.
- 5 કેમ કે દરેકે પોતાનો બોજ ઊંચકવો પડશે.
- 6 સુવાર્તા વિષે જે શીખનાર છે તેણે શીખવનારને સર્વ સારી ચીજવસ્તુમાંથી હિસ્સો આપવો.
- 7 યાદ રાખો, ઈશ્વરની મશ્કરી કરાય નહિ કોઈ માણસ જે કંઈ વાવે તે જ તે લણશે;
- 8 કેમ કે જે પોતાના દેહને માટે વાવે છે, તે દેહથી વિનાશ લણશે; પણ જે આત્માને અર્થે વાવે તે આત્માથી અનંતજીવન લણશે.
- 9 તો આપણે સારું કરતાં થાકવું નહિ; કેમ કે જો કાયર નહિ થઈએ, તો યોગ્ય સમયે લણીશું.
- 10 એ માટે જેમ પ્રસંગ મળે તેમ આપણે બધાનું અને વિશેષ કરીને વિશ્વાસના કુટુંબનાં જે છે તેઓનું સારું કરીએ.
- 11 જુઓ, હું મારા હાથે કેટલા મોટા અક્ષરોથી તમારા પર લખું છું.
- 12 જેઓ દેહ વિષે પોતાને જેટલાં સારા બતાવવા ચાહે છે, તેટલાં ખ્રિસ્તનાં વધસ્તંભને લીધે પોતાની સતાવણી ન થાય માટે જ તમને સુન્નત કરવાની ફરજ પાડે છે.
- 13 કેમ કે જેઓ સુન્નત કરાવે છે તેઓ પોતે નિયમશાસ્ત્રને પાળતા નથી; પણ તમારા દેહમાં તેઓ અભિમાન કરે, એ માટે તેઓ તમારી સુન્નત થાય એવો આગ્રહ રાખે છે.
- 14 પણ એવું ન થાઓ કે, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં વધસ્તંભ વગર હું બીજા કશામાં અભિમાન કરું, જેથી કરીને મારા સંબંધી જગત વધસ્તંભે જડાયેલું છે અને જગત માટે હું.
- 15 કેમ કે સુન્નત કંઈ નથી, તેમ બેસુન્નત પણ કંઈ નથી; પણ નવી ઉત્પત્તિ જ કામની છે.
- 16 જેટલાં આ નિયમ પ્રમાણે ચાલે છે, તેટલાં પર તથા ઈશ્વરના ઇઝરાયલ પર શાંતિ તથા દયા હો.
- 17 હવેથી કોઈ મને તસ્દી ન દે, કેમ કે પ્રભુ ઈસુનાં ચિહ્ન મારા શરીરમાં અપનાવેલાં છે.
- 18 ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા આત્માની સાથે હો. આમીન.