골로새서 3장 구자라트 IRV
- 1 એ માટે જો તમને, ખ્રિસ્તની સાથે સજીવન કરવામાં આવ્યા છે, તો જ્યાં ખ્રિસ્ત, ઈશ્વરને જમણે હાથે બિરાજમાન છે ત્યાંની, એટલે કે ઉપરની બાબતોની શોધ કરો.
- 2 સ્વર્ગીય બાબતો પર મન લગાવો, પૃથ્વી પરની બાબતો પર નહિ.
- 3 કેમ કે તમે મરણ પામેલા છો અને તમારું જીવન ખ્રિસ્તની સાથે ઈશ્વરમાં ગુપ્ત રાખવામાં આવેલું છે.
- 4 ખ્રિસ્ત જે આપણું જીવન છે, તે જયારે પ્રગટ થશે ત્યારે તમે પણ તેમની સાથે મહિમામાં પ્રગટ થશો.
- 5 તે માટે પૃથ્વી પરની તમારી દૈહિક ઇચ્છાઓ એટલે વ્યભિચાર, અશુદ્ધતા, વિષયવાસના, દુષ્ટ ઇચ્છા તથા લોભ કે જે મૂર્તિપૂજા છે, તેઓનો નાશ કરો.
- 6 આવાં કામોને લીધે આજ્ઞાભંગ કરનારા પર ઈશ્વરનો કોપ આવે છે.
- 7 જયારે તમે અગાઉ તેઓ પ્રમાણે જીવતા હતા ત્યારે તે પ્રમાણે વર્તતા હતા.
- 8 પણ હવે રીસ, ક્રોધ, અદાવત, અપમાન અને તમારા મુખમાંથી નીકળતાં બીભત્સવચનો તે સર્વ ત્યજી દો.
- 9 તમે એકબીજાની સાથે જૂઠું ન બોલો, કેમ કે તમે જૂના માણસપણાને તેના કૃત્યો સહિત ઉતારી મૂક્યું છે;
- 10 અને જે નવું માણસપણું તેના ઉત્પન્ન કરનારની પ્રતિમા પ્રમાણે જ્ઞાનમાં નવું કરાતું જાય છે, તે તમે ધારણ કર્યું છે.
- 11 તેમાં નથી ગ્રીક કે યહૂદી, નથી સુન્નત કે બેસુન્નત, નથી બર્બર કે નથી સિથિયન, નથી દાસ કે સ્વતંત્ર; પણ ખ્રિસ્ત સર્વ તથા સર્વમાં છે.
- 12 એ માટે, પવિત્ર તથા વહાલાંઓ, ઈશ્વરના પસંદ કરેલાને શોભે તેમ, દયાળુ હૃદય, મમતા, નમ્રતા, વિનય તથા સહનશીલતા ધારણ કરો.
- 13 એકબીજાનું સહન કરો અને જો કોઈને કોઈની સામે ફરિયાદ હોય તો તેને માફ કરો, જેમ ખ્રિસ્તે તમને માફ કર્યા તેમ તમે પણ એકબીજાને માફ કરો.
- 14 પણ એ સઘળાં ઉપરાંત પ્રેમ જે સંપૂર્ણતાનું બંધન છે તે તમે પહેરી લો.
- 15 ખ્રિસ્તની શાંતિ કે જે પામવા માટે તમે એક શરીરમાં તેડાયેલા છો, તે તમારાં હૃદયોમાં રાજ કરે; અને તમે આભારસ્તુતિ કરો.
- 16 ખ્રિસ્તનું શિક્ષણ સર્વ જ્ઞાનમાં ભરપૂરતાથી તમારામાં રહે; ગીતો, સ્ત્રોત્રો તથા આત્મિક ગાયનોથી એકબીજાને શીખવો તથા બોધ કરો અને આભારસહિત તમારા હૃદયોમાં પ્રભુની સમક્ષ ગાન કરો.
- 17 વચનથી કે કાર્યથી જે કંઈ તમે કરો, તે સર્વ પ્રભુ ઈસુને નામે કરો અને તે દ્વારા ઈશ્વર પિતાની આભારસ્તુતિ કરો.
- 18 પત્નીઓ, જેમ પ્રભુમાં શોભે છે તેમ તમે તમારા પતિઓને આધીન રહો.
- 19 પતિઓ, તમે તમારી પત્નીઓ પર પ્રેમ રાખો અને તેઓ પ્રત્યે કઠોર ન થાઓ.
- 20 બાળકો, તમે દરેક બાબતમાં તમારાં માતાપિતાની આજ્ઞાનું પાલન કરો, કેમ કે તે પ્રભુને પસંદ છે.
- 21 પિતાઓ, તમે તમારાં બાળકોને ઉશ્કેરશો નહીં, કે જેથી તેઓ નિરાશ થાય નહિ.
- 22 દાસો, તમે માણસોને ખુશ કરનારાઓની રીતે નહિ અને દેખરેખ હોય ત્યારે જ નહિ, પણ પ્રામાણિક હૃદયથી તથા પ્રભુથી ડરીને, તમામ બાબતોમાં પૃથ્વી પરના તમારા માલિકોની આજ્ઞાઓ પાળો.
- 23 તમે જે કંઈ કરો તે માણસોને માટે નહિ, પણ જાણે પ્રભુને માટે કરો છો, એમ સમજીને સઘળું ખરા જીવથી કરો;
- 24 કેમ કે તમે જાણો છો કે બદલામાં તમને પ્રભુ પાસેથી વારસો મળશે; કેમ કે તમે તો ખ્રિસ્ત પ્રભુની સેવા કરો છો.
- 25 પણ જે દુષ્ટતા કરે છે તેને તેની દુષ્ટતાનો બદલો મળશે; ‘પ્રભુ પાસે પક્ષપાત નથી.