디모데후서 2장 구자라트 IRV
- 1 માટે, મારા દીકરા, ખ્રિસ્ત ઈસુમાં જે કૃપા છે તેમાં તું સામર્થ્યવાન થા.
- 2 જે વાતો ઘણા સાક્ષીઓ સમક્ષ તેં મારી પાસેથી સાંભળી છે તે બીજાઓને પણ શીખવી શકે એવા વિશ્વાસુ માણસોને સોંપી દે.
- 3 માટે ખ્રિસ્ત ઈસુના સારા સૈનિક તરીકે તું દુઃખ સહન કર.
- 4 યુદ્ધમાં જનાર કોઈ સૈનિક દુનિયાદારીના કામકાજમાં ગૂંથાતો નથી કે, જેથી તે પોતાના ઉપરી અધિકારીને સંતોષ પમાડે.
- 5 વળી જો કોઈ રમતવીર હરીફાઈમાં ઊતરે, તો નિયમ પ્રમાણે હરીફાઈ કર્યા વગર તેને ઇનામ મળતું નથી.
- 6 મહેનત કરનાર ખેડૂતને પ્રથમ ફળ મળવાં જોઈએ.
- 7 હું જે કહું છું તેનો વિચાર કર; કેમ કે આ સર્વ બાબતો વિષે પ્રભુ તને સમજણ આપશે
- 8 ઈસુ ખ્રિસ્ત જેમને મારી સુવાર્તા પ્રમાણે મરણમાંથી સજીવન કરવામાં આવ્યા, (અને) જે દાઉદના સંતાનના છે, તેમને યાદ રાખ;
- 9 જે (સુવાર્તા) ને કારણે હું ગુનેગારની જેમ બંદીખાનાં સુધીનું દુઃખ વેઠું છું; પણ ઈશ્વરની વાત બંધનમાં નથી.
- 10 હું પસંદ કરેલાઓને સારુ સઘળું સહન કરું છું કે, જેથી ખ્રિસ્ત ઈસુમાં જે ઉદ્ધાર છે તે (ઉદ્ધાર) તેઓ અનંત મહિમાસહિત પામે.
- 11 આ વચન વિશ્વાસયોગ્ય છે: જો આપણે તેમની સાથે મરણ પામ્યા, તો તેમની સાથે જીવીશું પણ;
- 12 જો આપણે (અંત સુધી) ટકી રહીએ, તો તેમની સાથે રાજ પણ કરીશું; જો આપણે તેમનો નકાર કરીએ, તો (ઈસુ ખ્રિસ્ત) આપણો પણ નકાર કરશે;
- 13 જો આપણે અવિશ્વાસી હોઈએ, તો પણ તે વિશ્વાસુ રહે છે; તેઓ પોતાનો ઇનકાર કરી શકતા નથી.
- 14 તું તેઓને સ્મરણ કરાવીને પ્રભુની આગળ (તેઓને) એવો હુકમ કર કે, જે ખાલી શબ્દવાદ કોઈપણ રીતે ગુણકારી નથી, પણ તેને બદલે સાંભળનારાંને નુકસાનકારક છે, તે કોઈ ન કરે.
- 15 જેને શરમાવાનું કશું કારણ ન હોય એવી રીતે કામ કરનાર, સત્યનાં વચન સ્પષ્ટતાથી સમજાવનાર, અને ઈશ્વરને પસંદ પડે એવો સેવક થવાને તું પ્રયત્ન કર.
- 16 પણ અધર્મી બકવાસથી દૂર રહે; કેમ કે એવું કરનાર વધારે ને વધારે ધર્મભ્રષ્ટ થતા જશે,
- 17 અને તેઓની વાત ધારાની પેઠે ફેલાતી જશે: (એવા માણસોમાંના) હુમનાયસ તથા ફિલેતસ છે.
- 18 પુનરુત્થાન થઈ ગયું છે એમ કહીને તેઓ સત્ય ચૂકી જઈને કેટલાકનો વિશ્વાસ ઉલટાવી નાખે છે.
- 19 પણ ઈશ્વરે નાખેલો પાયો સ્થિર રહે છે, તેના પર આ મુદ્રાછાપ મારેલી છે કે, ‘પ્રભુ પોતાના લોકોને ઓળખે છે અને જે કોઈ ખ્રિસ્તનું નામ લે છે તેણે પાપથી દૂર થવું.’
- 20 મોટા ઘરમાં કેવળ સોનાચાંદીનાં જ નહિ, પણ લાકડાંના તથા માટીનાં પાત્રો પણ હોય છે; તેઓમાંના કેટલાંક ઉત્તમ કાર્યોને માટે ને કેટલાંક હલકાં કાર્યોને માટે હોય છે.
- 21 એ માટે જો કોઈ તેઓથી (હલકાં કાર્યોથી) પોતાને (દૂર રાખીને) શુદ્ધ કરે, તો તે ઉત્તમ કાર્યને સારુ પવિત્ર કરેલું, સ્વામીને ઉપયોગી તથા સર્વ સારાં કામને માટે તૈયાર કરેલું પાત્ર થશે.
- 22 વળી જુવાનીના આવેગથી નાસી જા, પણ પ્રભુનું નામ શુદ્ધ હૃદયથી લેનારાઓની સાથે ન્યાયીપણું, વિશ્વાસ, પ્રેમ તથા શાંતિ પ્રાપ્ત કરવાને યત્ન કર.
- 23 મૂર્ખતાથી ભરેલા તથા અજ્ઞાની સવાલોથી વિખવાદ ઉત્પન્ન થાય છે એમ સમજીને તેઓથી દૂર રહે.
- 24 પ્રભુના સેવકે તકરાર કરવી નહિ, પણ તે સર્વ માણસો પ્રત્યે માયાળુ, શીખવવામાં બાહોશ, સહનશીલ;
- 25 વિરોધીઓને નમ્રતાથી સમજાવનાર હોવો જોઈએ. કદાચ ઈશ્વર તેઓને પસ્તાવો (કરવાની બુદ્ધિ) આપે, જેથી તેઓને સત્યનું જ્ઞાન પ્રાપ્ત થાય.
- 26 અને જેઓ શેતાનના ફાંદામાં ફસાયા છે તેઓ તેમાંથી છૂટીને પ્રભુની ઇચ્છા પૂરી કરવાને માટે તેમના સેવકને આધીન થાય.