빌레몬서 1장 구자라트 IRV
- 1 સેવાકાર્યમાં અમારા સાથીદાર વહાલાં ફિલેમોન, બહેન આફિયા, અમારા સાથી સૈનિક આર્ખિપસ તથા તારા ઘરમાંની વિશ્વાસી સમુદાયને
- 2 ખ્રિસ્ત ઈસુનો બંદીવાન પાઉલ તથા ભાઈ તિમોથી લખે છે
- 3 ઈશ્વર આપણા પિતા તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને કૃપા તથા શાંતિ થાઓ.
- 4 ભાઈ ફિલેમોન પ્રભુ ઈસુ પર તથા સર્વ સંતો પરના તારા પ્રેમ તથા વિશ્વાસ વિષે,
- 5 સાંભળવાથી તારું સ્મરણ હું નિત્ય મારી પ્રાર્થનાઓમાં કરું છું અને મારા ઈશ્વરની આભારસ્તુતિ કરું છું.
- 6 મારી પ્રાર્થના છે કે આપણામાં જે સર્વ સારું છે તેનું જ્ઞાન થયાથી, તારા વિશ્વાસની ભાગીદારી ખ્રિસ્ત ઈસુના મહિમાને સારુ સફળ થાય.
- 7 કારણ કે તારા પ્રેમમાં મને ઘણો આનંદ તથા દિલાસો મળ્યો છે; કેમ કે, ઓ ભાઈ, તારાથી સંતોના હૃદય ઉત્તેજિત થયાં છે.
- 8 માટે જે યોગ્ય છે તે તને આજ્ઞા તરીકે કહેવાને મને ખ્રિસ્તમાં છૂટ છે ખરી,
- 9 તોપણ હું પાઉલ વૃદ્ધ તથા હમણાં ખ્રિસ્ત ઈસુનો બંદીવાન હોવાથી હું બીજી રીતે, એટલે પ્રેમથી, તને વિનંતી કરું છું.
- 10 ઓનેસીમસ આ બંદીખાનામાં જે મારા દીકરા જેવો થયો છે તેને વિષે હું તને વિનંતી કરું છું.
- 11 અગાઉ તે તને ઉપયોગી ન હતો, પણ હમણાં તે તને તથા મને પણ ઉપયોગી છે;
- 12 તેને પોતાને, એટલે મારા પોતાના હૃદય જેવાને, મેં તારી પાસે પાછો મોકલ્યો છે.
- 13 તેને હું મારી પાસે રાખવા ઇચ્છતો હતો, કે સુવાર્તાને લીધે હું બંદીવાસમાં છું તે દરમિયાન તે તારા બદલામાં મારી મદદ કરે.
- 14 પણ તારી મરજી વિના કંઈ કરવાની મારી ઇચ્છા ન હતી, એ માટે કે તારો ઉપકાર દબાણથી નહિ, પણ રાજીખુશીથી થાય.
- 15 કેમ કે તે સદા તારી પાસે રહે, તે માટે જ કદાચ થોડીવાર સુધી તારાથી દૂર થયો હશે,
- 16 હવે પછી દાસના જેવો નહિ, પણ દાસથી અધિક, એટલે વહાલા ભાઈના જેવો છે, મને તો તે વિશેષ કરીને એવો છે, પણ તને તો દેહમાં તથા પ્રભુમાં કેટલો બધો વિશેષ છે!
- 17 માટે જો તું મને ભાગીદાર ગણે, તો જેમ મારો તેમ તેનો સ્વીકાર કરજે.
- 18 પણ જો તેણે તારો કંઈ અન્યાય કર્યો હોય કે તેની પાસે તારું કંઈ લેણું હોય તો તેની જવાબદારી હું લઉં છું.
- 19 હું પાઉલ મારે પોતાને હાથે લખું છું કે, તે હું ભરપાઈ કરીશ; તોપણ હું તને નથી કહેતો કે તું પોતા વિષે મારો કરજદાર છે.
- 20 હા, ભાઈ, તારાથી પ્રભુમાં મને આનંદ થાય; ખ્રિસ્તમાં મારું હૃદય શાંત કર.
- 21 તું મારું કહેલું માનીશ એવો ભરોસો રાખીને તારા પર આ પત્ર લખું છું, કેમ કે હું જાણું છું કે, જે હું કહું છું તે કરતાં પણ તું વધારે કરીશ.
- 22 સારુ, મારે માટે રહેવાની વ્યવસ્થા તૈયાર રાખજે. કેમ કે મને આશા છે કે તમારી પ્રાર્થનાઓથી મારે તમારી પાસે આવવાનું થશે.
- 23 એપાફ્રાસ, ખ્રિસ્ત ઈસુમાં મારો સાથી બંદીવાન,
- 24 સેવાકાર્યમાં મારા સાથીદાર માર્ક, આરિસ્તાર્ખસ, દેમાસ તથા લૂક સર્વ તને ક્ષેમકુશળ કહે છે.
- 25 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા આત્માની સાથે હો. આમીન.