야고보서 1장 구자라트 IRV
- 1 વિખેરાઈ ગયેલા બારે કુળને, ઈશ્વરના તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં દાસ યાકૂબની સલામ.
- 2 મારા ભાઈઓ, જયારે તમને વિવિધ પ્રકારની કસોટીઓ થાય છે ત્યારે તેમાં પૂરો આનંદ ગણો;
- 3 કેમ કે તમે જાણો છો કે તમારા વિશ્વાસની પરીક્ષામાં પાર ઊતર્યાથી ધીરજ ઉત્પન્ન થાય છે.
- 4 તમે પરિપક્વ તથા સંપૂર્ણ થાઓ અને કશામાં અપૂર્ણ રહો નહિ, માટે ધીરજને પોતાનું કામ પૂરેપૂરું કરવા દો.
- 5 તમારામાંનો જો કોઈ જ્ઞાનમાં અપૂર્ણ હોય, તો ઈશ્વર જે સર્વને ઉદારતાથી આપે છે અને ઠપકો આપતા નથી, તેમની પાસેથી તે માગે; એટલે તેને તે આપવામાં આવશે.
- 6 પરંતુ કંઈ પણ સંદેહ રાખ્યા વગર વિશ્વાસથી માગવું; કેમ કે જે કોઈ સંદેહ રાખીને માગે છે, તે પવનથી ઊછળતા તથા અફળાતા સમુદ્રના મોજાના જેવો છે.
- 7 એવા માણસે પ્રભુ તરફથી તેને કંઈ મળશે એવું ન ધારવું.
- 8 આવા પ્રકારના મનુષ્ય બે મનવાળો હોય છે અને પોતાના સઘળા માર્ગોમાં અસ્થિર છે.
- 9 જે ભાઈ ઊતરતા પદનો છે તે પોતાના ઉચ્ચપદમાં અભિમાન કરે;
- 10 જે શ્રીમંત છે, તે પોતાના ઊતરતા પદમાં અભિમાન કરે કેમ કે ઘાસનાં ફૂલની પેઠે તે વિલીન થઈ જશે.
- 11 કેમ કે સૂર્ય ઊગે છે અને ગરમ પવન વાય છે ત્યારે ઘાસ ચીમળાય છે; તેનું ફૂલ ખરી પડે છે અને તેના સૌંદર્યની શોભા નાશ પામે છે તેમ શ્રીમંત પણ તેના વ્યવહારમાં વિલીન થઈ જશે.
- 12 જે મનુષ્ય પરીક્ષણમાં પાર ઊતરે છે તે આશીર્વાદિત છે; કેમ કે પાર ઊતર્યા પછી, જીવનનો જે મુગટ પ્રભુએ પોતાના પર પ્રેમ રાખનારાઓને આપવાનું આશાવચન આપ્યું છે તે તેને મળશે.
- 13 કોઈનું પરીક્ષણ થયું હોય તો ઈશ્વરે મારું પરીક્ષણ કર્યું છે, એમ તેણે ન કહેવું; કેમ કે દુષ્ટતાથી ઈશ્વરનું કદાપિ પરીક્ષણ થતું નથી અને તે કોઈને પરીક્ષણમાં લાવતા પણ નથી.
- 14 પણ દરેક મનુષ્ય પોતાની દુષ્ટ ઇચ્છાઓથી ખેંચાઈને તથા લલચાઈને પરીક્ષણમાં પડે છે.
- 15 પછી દુષ્ટ ઇચ્છાઓ ગર્ભ ધરીને પાપને જન્મ આપે છે અને પાપ પરિપક્વ થઈને મોતને ઉપજાવે છે.
- 16 મારા વહાલાં ભાઈઓ, તમે છેતરાતા નહિ.
- 17 દરેક ઉત્તમ દાન તથા દરેક સંપૂર્ણ દાન ઉપરથી હોય છે અને પ્રકાશોના પિતા જેમનાંમાં પરિવર્તન થતું નથી, તેમ જ જેમનાંમાં ફરવાથી પડતો પડછાયો પણ નથી, તેમની પાસેથી ઊતરે છે.
- 18 તેમણે પોતાની ઇચ્છાથી સત્યનાં વચન દ્વારા આપણને જન્મ આપ્યો છે, જેથી આપણે તેમના ઉત્પન્ન કરેલાંઓમાં પ્રથમફળ જેવા થઈએ.
- 19 મારા વહાલાં ભાઈઓ, તમે તે જાણો છો. દરેક મનુષ્ય સાંભળવામાં ચપળ, બોલવામાં મંદ, તથા ક્રોધ કરવામાં નરમ થાય;
- 20 કેમ કે મનુષ્યના ક્રોધથી ઈશ્વરનું ન્યાયપણું કામ કરતું નથી.
- 21 માટે તમે સર્વ મલિનતા તથા દુષ્ટતાની અધિકતા તજી દો અને તમારા હૃદયમાં વાવેલું જે વચન તમારા આત્માનો ઉદ્ધાર કરવાને શક્તિમાન છે તેને નમ્રતાથી ગ્રહણ કરો.
- 22 તમે વચનના પાળનારા થાઓ, પોતાને છેતરીને કેવળ સાંભળનારાં જ નહિ.
- 23 કેમ કે જે કોઈ માણસ વચન પાળતો નથી, પણ કેવળ સાંભળે છે, તે પોતાનું સ્વાભાવિક મુખ દર્પણમાં જોનાર મનુષ્યના જેવો છે.
- 24 કેમ કે તે પોતાને જુએ છે, પછી ત્યાંથી ખસી જાય છે, એટલે તે પોતે કેવો હતો, એ તે તરત ભૂલી જાય છે.
- 25 પણ જે મુક્તિના સંપૂર્ણ નિયમમાં ધ્યાનથી નિહાળે છે અને તેમાં રહે છે, જે સાંભળીને ભૂલી જનાર નહિ, પણ કામ કરનાર થાય છે, તે જ મનુષ્ય પોતાના વ્યવહારમાં આશીર્વાદિત થશે.
- 26 જો તમારામાંનો કોઈ માને કે હું પોતે ધાર્મિક છું, પણ પોતાની જીભને કાબૂમાં રાખતો નથી, તે પોતાના હૃદયને છેતરે છે, તેવા મનુષ્યની ધાર્મિકતા વ્યર્થ છે.
- 27 વિધવાઓ અને અનાથોના દુઃખના સમયે મુલાકાત લેવી અને જગતથી પોતાને નિષ્કલંક રાખવો એ જ ઈશ્વરની એટલે પિતાની, આગળ શુદ્ધ તથા સ્વચ્છ ધાર્મિકતા છે.