욥기 21장 구자라트 IRV
- 1 પછી અયૂબે જવાબ આપ્યો અને કહ્યું;
- 2 “હું જે કહું તે ધ્યાનથી સાંભળો, અને મને દિલાસો આપો.
- 3 મારા બોલી રહ્યા પછી ભલે તમે મારી હાંસી ઉડાવજો; પણ હું બોલું છું ત્યાં સુધી ધીરજ રાખજો.
- 4 શું મારી ફરિયાદ માણસ સામે છે? હું શા માટે અધીરો ના થાઉં?
- 5 મારી સામે જોઈને આશ્ચર્ય પામો, અને તમારો હાથ તમારા મુખ પર મૂકો.
- 6 હું યાદ કરું છું ત્યારે ગભરાઈ જાઉં છું, હું ભયથી ધ્રૂજી ઊઠું છું.
- 7 શા માટે દુર્જનો લાંબુ જીવે છે? શા માટે તેઓ વૃદ્ધ થાય છે અને સફળ રહે છે?
- 8 દુર્જનો તેઓનાં સંતાનોને મોટાં થતાં જુએ છે. દુર્જનો પોતાનાં પૌત્ર-પૌત્રીઓને જોવા માટે જીવે છે.
- 9 તેઓનાં ઘર ભય વગર સુરક્ષિત હોય છે; અને ઈશ્વરની સોટી તેઓ પર પડતી નથી.
- 10 તેઓનો સાંઢ ગાયો સાથેના સંવનનમાં નિષ્ફળ થતો નથી; તેઓની ગાયો જન્મ આપે છે, મૃત વાછરડાઓ જન્મતા નથી.
- 11 તેઓ પોતાનાં સંતાનોને ઘેટાંનાં બચ્ચાંઓની જેમ બહાર રમવા મોકલે છે. તેઓનાં સંતાનો નાચે છે.
- 12 તેઓ ખંજરી તથા વીણા સાથે ગાય છે, અને વાંસળીના અવાજથી આનંદ પામે છે.
- 13 તેઓ પોતાના દિવસો સમૃદ્ધિમાં વિતાવે છે, અને એક પળમાં તેઓ શેઓલમાં ઊતરી જાય છે.
- 14 તેઓ ઈશ્વરને કહે છે, ‘અમારાથી દૂર જાઓ કેમ કે અમે તમારા માર્ગોનું ડહાપણ મેળવવા ઇચ્છતા નથી.
- 15 તેઓ કહે છે, સર્વશક્તિમાન ઈશ્વર કોણ છે કે, અમે તેમની સેવા કરીએ? તેમને પ્રાર્થના કરવાથી અમને શો લાભ થાય?
- 16 જુઓ, તેઓની સમૃદ્ધિ તેઓના પોતાના હાથમાં નથી? દુષ્ટોની સલાહ મારાથી દૂર છે.
- 17 દુષ્ટ લોકોનો દીવો કેટલીવાર ઓલવી નાખવામાં આવે છે? અને કેટલીવાર વિપત્તિ તેઓ પર આવી પડે છે? ઈશ્વર તેમના કોપથી કેટલીવાર તેમના ઉપર દુઃખો મોકલે છે?
- 18 તેઓ કેટલીવાર હવામાં ઊડી જતા ખૂંપરા જેવા વંટોળિયામાં ઊડતાં ફોતરા જેવા હોય છે?
- 19 તમે કહો છો કે, ‘ઈશ્વર તેઓના પાપની સજા તેઓનાં સંતાનોને કરે છે;’ તેમણે તેનો બદલો તેને જ આપવો જોઈએ કે, તેને જ ખબર પડે.
- 20 તેની પોતાની જ આંખો તેનો પોતાનો નાશ જુએ, અને સર્વશક્તિમાન ઈશ્વરના કોપનો પ્યાલો તેને જ પીવા દો.
- 21 તેના મૃત્યુ પછી એટલે તેના આયુષ્યની મર્યાદા અધવચથી કપાઈ ગયા પછી, તે કુટુંબમાં શો આનંદ રહે છે?
- 22 શું કોઈ ઈશ્વરને ડહાપણ શીખવી શકે? ઈશ્વર મહાન પુરુષોનો પણ ન્યાય કરે છે.
- 23 માણસ પૂરજોરમાં, તથા પૂરા સુખચેનમાં હોય ત્યારે મૃત્યુ પામે છે.
- 24 તેનું શરીર દૂધથી ભરપૂર હોય છે. અને તેનાં હાડકાં મજબૂત હોય ત્યારે તે મૃત્યુ પામે છે.
- 25 પરંતુ બીજો તો પોતાના જીવનમાં કષ્ટ ભોગવતો મૃત્યુ પામે છે, અને કદી સુખનો અનુભવ કરતો નથી.
- 26 તેઓ સરખી રીતે ધૂળમાં સૂઈ જાય છે. અને કીડાઓ તેઓને ઢાંકી દે છે.
- 27 જુઓ, હું તમારા વિચારો જાણું છું અને હું જાણું છું તમે મારું ખોટું કરવા માગો છો.
- 28 માટે તમે કહો છો, હવે રાજકુમારનું ઘર ક્યાં છે? દુષ્ટ માણસ રહે છે તે તંબુ ક્યાં છે?’
- 29 શું તમે કદી રસ્તે જનારાઓને પૂછ્યું? તમે તેઓના અનુભવની વાતો જાણતા નથી કે,
- 30 ભૂંડો માણસ સંકટના સમયે બચી જાય છે, અને તેઓને કોપને દિવસે બચાવવામાં આવે છે?
- 31 તેનો માર્ગ દુષ્ટ માણસને મોં પર કોણ કહી બતાવશે? તેણે જે કર્યું છે તેનો બદલો તેને કોણ આપશે?
- 32 તોપણ તેને કબર આગળ ઊંચકી જવામાં આવશે, અને તેની કબર પર પહેરો મૂકવામાં આવશે.
- 33 ખીણની માટીનાં ઢેફાં પણ તેને મીઠાં લાગશે, જેમ તેની અગાઉ અગણિત માણસો લઈ જવામાં આવ્યા હતા, તેમ સઘળાં માણસો તેની પાછળ જશે.
- 34 તમે શા માટે મને નકામું આશ્વાસન આપો છો? કેમ કે તમારા ઉત્તરો જોતાં તો તેમાં જુઠાણું જ રહેલું છે.”