시편 102편 구자라트 IRV
- 1 હે યહોવાહ, મારી પ્રાર્થના સાંભળો; મારા પોકારને તમારી પાસે આવવા દો.
- 2 મારા સંકટના દિવસે તમારું મુખ મારાથી ન ફેરવો. મારું સાંભળો. જ્યારે હું તમને પોકારું, ત્યારે તમે મને વહેલો ઉત્તર આપો.
- 3 કારણ કે મારા દિવસો તો ધુમાડાની જેમ વીતી જાય છે અને મારાં હાડકાં અગ્નિની જેમ બળી જાય છે.
- 4 મારું હૃદય તો ઘાસના જેવું કપાયેલું અને ચીમળાયેલું છે. એટલે સુધી કે રોટલી ખાવાનું પણ હું ભૂલી જાઉં છું.
- 5 મારા નિસાસાને કારણે હું ઘણો સુકાઈ ગયો છું.
- 6 હું રાનની જળકૂકડી જેવો થઈ ગયો છું; અરણ્યના ઘુવડ જેવો થઈ ગયો છું.
- 7 હું જાગૃત રહું છું, હું અગાસી પર એકલી પડેલી ચકલી જેવો થઈ ગયો છો.
- 8 મારા શત્રુ આખો દિવસ મને મહેણાં મારે છે; જેઓ મારી મજાક ઉડાવે છે તેઓ બીજાને શાપ આપવા મારા નામનો ઉપયોગ કરે છે.
- 9 રોટલીને બદલે હું રાખ ખાઉં છું મારાં આંસુ વહીને મારા પ્યાલામાં પડે છે.
- 10 તે તમારા રોષને કારણે છે, કેમ કે તમે મને ઊંચો કરીને નીચે ફેંકી દીધો છે.
- 11 મારા દિવસો નમતી છાયા જેવા છે અને હું ઘાસની જેમ કરમાઈ ગયો છું.
- 12 પણ, હે યહોવાહ, તમે સર્વકાળ ટકનાર છો અને તમારું સ્મરણ પેઢી દરપેઢી રહેશે.
- 13 તમે ઊભા થઈને સિયોન પર દયા કરશો. તેના પર દયા કરવાનો સમય, એટલે ઠરાવેલો સમય, આવ્યો છે.
- 14 કારણ કે તમારા સેવકોને તેના પથ્થરો વહાલા છે અને તેની ધૂળ પર તેઓને દયા આવે છે.
- 15 હે યહોવાહ, વિદેશીઓ તમારા નામનો આદર કરશે અને પૃથ્વીના સર્વ રાજાઓ તમારા ગૌરવનો આદર કરશે.
- 16 યહોવાહે સિયોનને ફરીથી બાંધ્યું છે અને તે પોતાના ગૌરવથી પ્રગટ થયા છે.
- 17 તે જ સમયે, તેમણે લાચારની પ્રાર્થના પર લક્ષ લગાડ્યું છે; તે તેઓની પ્રાર્થના નકારશે નહિ.
- 18 આ વાતો તો આવનાર પેઢી માટે લખવામાં આવી છે અને જે લોકો હજી સુધી જન્મ્યા નથી, તેઓ પણ યહોવાહની સ્તુતિ કરશે.
- 19 કેમ કે તેમણે પોતાના ઉચ્ચ પવિત્રસ્થાનમાંથી જોયું છે; આકાશમાંથી યહોવાહે પૃથ્વીને નિહાળી,
- 20 જેથી તે બંદીવાનોના નિસાસા સાંભળી શકે, જેઓ મરણના સપાટામાં સપડાયેલા છે તેઓને તે છોડાવે.
- 21 પછી માણસો સિયોનમાં યહોવાહનું નામ અને યરુશાલેમમાં તેમની સ્તુતિ જાહેર કરે.
- 22 જ્યારે લોકો અને રાજ્યો ભેગા થાય છે, ત્યારે તેઓ યહોવાહની સેવા કરે છે.
- 23 તેમણે માર્ગમાં મારી શક્તિ ઘટાડી છે. તેમણે મારા દિવસો ટૂંકા કર્યા છે.
- 24 મેં કહ્યું, “હે મારા ઈશ્વર, મારા દિવસો પૂરા થયા અગાઉ તમે મને ન લઈ જાઓ; તમે અહીંયાં પેઢી દરપેઢી સુધી છો.
- 25 પૂર્વે તમે પૃથ્વીનો પાયો નાખ્યો; આકાશો તમારા હાથનું કામ છે.
- 26 તેઓ નાશ પામશે, પણ તમે ટકી રહેશો; તેઓ સર્વ વસ્ત્રની જેમ જીર્ણ થઈ જશે; વસ્ત્રની જેમ તમે તેઓને બદલશો અને તેઓ બદલાઈ જશે.
- 27 પણ તમે તો એવા અને એવા જ રહેશો તમારાં વર્ષોનો અંત આવશે નહિ.
- 28 તમારા સેવકોનાં બાળકો અહીં વસશે અને તેઓનાં વંશજો તમારી હજૂરમાં રહેશે.”