시편 104편 구자라트 IRV
- 1 હે મારા આત્મા, યહોવાહને સ્તુત્ય માન. હે યહોવાહ મારા ઈશ્વર, તમે અતિ મહાન છો; તમે વૈભવ તથા ગૌરવ ધારણ કર્યાં છે.
- 2 તમે વસ્ત્રની જેમ અજવાળું પહેર્યું છે; પડદાની જેમ તમે આકાશને વિસ્તારો છો.
- 3 તમારા આકાશી ઘરનો પાયો તમે અંતરિક્ષનાં પાણી પર નાખ્યો છે; તમે વાદળાંને તમારા રથ બનાવ્યા છે; તમે પવનની પાંખો પર સવારી કરો છો.
- 4 તમે પવનોને તમારા દૂત બનાવો છો અને તમારા સેવકો અગ્નિના ભડકા છે.
- 5 તમે પૃથ્વીને તેના પાયા પર સ્થિર કરી છે જેથી તે ખસે નહિ.
- 6 તમે પૃથ્વીને વસ્ત્રની જેમ જળના ભંડારોથી આચ્છાદિત કરો છો; પાણીએ પર્વતોને આચ્છાદિત કર્યાં છે.
- 7 તમારી ધમકીથી તેઓ નાસી ગયાં; તમારી ગર્જનાથી તેઓ જતાં રહ્યાં.
- 8 પહાડો ચઢી ગયા અને ખીણો ઊતરી ગઈ જે સ્થળ તમે પાણીને માટે મુકરર કર્યું હતું, ત્યાં સુધી તે પ્રસરી ગયાં.
- 9 તેઓ ફરીથી પૃથ્વીને ઢાંકે નહિ માટે તમે તેઓને માટે હદ બાંધી છે કે જેથી તેઓ તે પાર ન કરી શકે;
- 10 તેમણે ખીણોમાં વહેતાં ઝરણાં બનાવ્યાં; તે પર્વતોની વચ્ચે વહે છે.
- 11 તે સર્વ પશુઓને પાણી પૂરું પાડે છે; રાની ગધેડાંઓ પણ પોતાની તરસ છિપાવે છે.
- 12 આકાશના પક્ષીઓ ઝરણાંઓને કિનારે માળા બાંધે છે; વૃક્ષોની ડાળીઓ મધ્યે ગાયન કરે છે.
- 13 તે ઓરડામાંથી પર્વતો પર પાણી સિંચે છે. પૃથ્વી તેમનાં કામના ફળથી તૃપ્ત થાય છે.
- 14 તે જાનવરને માટે ઘાસ ઉપજાવે છે અને માણસના માટે શાકભાજી ઉપજાવે છે કે જેથી માણસ ભૂમિમાંથી અન્ન ઉપજાવે છે.
- 15 તે માણસને આનંદ આપનાર દ્રાક્ષારસ, તેના મુખને તેજસ્વી કરનાર તેલ અને તેના જીવનને બળ આપનાર રોટલી તે નિપજાવે છે.
- 16 યહોવાહનાં વૃક્ષો, એટલે લબાનોનનાં દેવદારો; જે તેમણે રોપ્યાં હતાં, તેઓ પાણીથી ભરપૂર છે.
- 17 ત્યાં પક્ષીઓ પોતાના માળા બાંધે છે. વળી દેવદાર વૃક્ષ બગલાઓનું રહેઠાણ છે.
- 18 ઊંચા પર્વતો પર રાની બકરાઓને અને ખડકોમાં સસલાને રક્ષણ અને આશ્રય મળે છે.
- 19 ઋતુઓને માટે તેમણે ચંદ્રનું સર્જન કર્યું; સૂર્ય પોતાનો અસ્તકાળ જાણે છે.
- 20 તમે અંધારું કરો છો એટલે રાત થાય છે ત્યારે જંગલનાં પશુઓ બહાર આવે છે.
- 21 સિંહનાં બચ્ચાં શિકાર માટે ગર્જના કરે છે અને તેઓ ઈશ્વર પાસે પોતાનું ભોજન માગે છે.
- 22 સૂર્ય ઊગે કે તરત તેઓ જતાં રહે છે અને પોતાના કોતરોમાં સૂઈ જાય છે.
- 23 માણસ પોતાના કામકાજ કરવા બહાર આવે છે અને સાંજ સુધી પોતાનો ઉદ્યોગ ચલાવે છે.
- 24 હે યહોવાહ, તમારાં કામ કેવાં તરેહતરેહનાં છે! તમે તે સર્વને બુદ્ધિપૂર્વક બનાવ્યાં છે; તમારી બનાવેલી વસ્તુઓથી પૃથ્વી ભરપૂર છે.
- 25 જુઓ આ વિશાળ તથા ઊંડા સમુદ્રમાં, અસંખ્ય જીવજંતુઓ, નાનાંમોટાં જળચરો છે.
- 26 વહાણો તેમાં આવજા કરે છે અને જે મગરમચ્છ તેમાં રમવા માટે તમે ઉત્પન્ન કર્યાં છે તે સમુદ્રમાં રહે છે.
- 27 તમે તેઓને યોગ્ય સમયે ખાવાનું આપો છો, તેથી આ સર્વ તમારી રાહ જુએ છે.
- 28 જ્યારે તમે તેઓને આપો છો, ત્યારે તેઓ ભેગા થાય છે; જ્યારે તમે તમારો હાથ ખોલો છો, ત્યારે તેઓ તૃપ્ત થાય છે.
- 29 જ્યારે તમે તમારું મુખ ફેરવો છો, ત્યારે તેઓ ગભરાઈ જાય છે; જો તમે તેઓનો પ્રાણ લઈ લો છો, તો તેઓ મરણ પામે છે અને પાછાં ધૂળમાં મળી જાય છે.
- 30 જ્યારે તમે તમારો આત્મા મોકલો છો, ત્યારે તેઓ ઉત્પન્ન થાય છે અને તમે દેશભરનું નવીકરણ કરો છો.
- 31 યહોવાહનો મહિમા સદાકાળ ટકી રહો; પોતાના સર્જનથી યહોવાહ આનંદ પામો.
- 32 તે પૃથ્વી પર દ્રષ્ટિ કરે છે અને તે કંપે છે; તે પર્વતોને સ્પર્શે છે અને તેઓમાંથી ધુમાડો નીકળે છે.
- 33 હું જીવનપર્યંત યહોવાહની પ્રશંસાનાં ગીતો ગાઈશ; હું મારા છેલ્લાં શ્વાસ સુધી યહોવાહની સ્તુતિ કરીશ.
- 34 તેમના માટેના મારા શબ્દો વડે તે પ્રસન્ન થાઓ; હું યહોવાહમાં આનંદ કરીશ.
- 35 પૃથ્વીમાંથી સર્વ પાપીઓ નાશ પામો અને દુષ્ટોનો અંત આવો. હે મારા આત્મા, યહોવાહને સ્તુત્ય માન. યહોવાહની સ્તુતિ કરો.