시편 148편 구자라트 IRV

  1. 1 યહોવાહની સ્તુતિ કરો. આકાશોથી યહોવાહની સ્તુતિ કરો; ઉચ્ચસ્થાનોમાં તેમની સ્તુતિ કરો.
  2. 2 તેમના સર્વ દૂતો, તમે તેમની સ્તુતિ કરો; તેમનાં સર્વ સૈન્યો, તેમની સ્તુતિ કરો.
  3. 3 સૂર્ય તથા ચંદ્ર, તમે તેમની સ્તુતિ કરો; સર્વ ઝગઝગતાં તારા, તેમની સ્તુતિ કરો.
  4. 4 આકાશોનાં આકાશ, તમે તેમની સ્તુતિ કરો આકાશ ઉપરનાં પાણી, તેમની સ્તુતિ કરો.
  5. 5 યહોવાહના નામની સ્તુતિ તેઓ કરો, કેમ કે તેમની આજ્ઞાથી તેઓ ઉત્પન્ન થયાં.
  6. 6 વળી તેમણે સદાકાળને માટે તેઓને સ્થાપન કર્યાં છે; જેનો અપરાધ તેઓ કરી શકે નહિ, એવો નિયમ તેમણે કર્યો છે.
  7. 7 હે પૃથ્વી પરના બધા જ જીવો, તમે યહોવાહની સ્તુતિ કરો, હે સમુદ્રના જીવો અને મહાસાગરનાં ઊંડાણો, તમે તેમની સ્તુતિ કરો.
  8. 8 અગ્નિ તથા કરા, હિમ તથા મેઘ, આંધીના વાયુ, જે તેમનું વચન પૂરું કરે છે,
  9. 9 પર્વતો તથા ડુંગરો ફળવૃક્ષો તથા સર્વ દેવદારો,
  10. 10 વન્ય જાનવરો તથા સર્વ પશુઓ, પેટે ચાલનારાં જીવજંતુ તથા ઊડનારાં પક્ષીઓ,
  11. 11 પૃથ્વીના રાજાઓ અને સર્વ પ્રજાઓ, રાજકુમારો તથા પૃથ્વીના સર્વ ન્યાયાધીશો,
  12. 12 જુવાન પુરુષો તથા જુવાન સ્ત્રીઓ, વૃદ્ધો તથા બાળકો.
  13. 13 તમે સર્વ યહોવાહની સ્તુતિ કરો, કારણ કે એકલું તેમનું જ નામ પ્રતિષ્ઠાપાત્ર છે અને તેમનું ગૌરવ આકાશ તથા પૃથ્વી કરતાં મોટું છે.
  14. 14 તેમણે પોતાના લોકોનું શિંગ ઊંચું કર્યું છે જેથી તેમના ભક્તો તેમની સ્તુતિ કરે, તેમની પાસેના ઇઝરાયલ લોકોને તેમણે ઊંચા કર્યા છે. યહોવાહની સ્તુતિ કરો.