시편 28편 구자라트 IRV

  1. 1 હે યહોવાહ, હું તમને વિનંતિ કરીશ; હે મારા ખડક, મને તરછોડશો નહિ. જો તમે મારી સાથે મૌન ધારણ કરશો, તો હું કબરમાં ઊતરી જનારા જેવો થઈ જઈશ.
  2. 2 જ્યારે હું તમને વિનંતી કરું, ત્યારે મારા કાલાવાલા સાંભળજો, જ્યારે હું મારા હાથ તમારા પરમપવિત્રસ્થાન તરફ જોડું, ત્યારે મારી યાચનાના કાલાવાલા સાંભળજો.
  3. 3 જેઓ મુખ પર શાંતિ અને હૃદયમાં પાપ રાખીને પોતાના પડોશી સાથે બોલે છે, તે દુષ્ટ અને કુકર્મીઓની સાથે મને ધકેલી દેશો નહિ.
  4. 4 તેઓનાં કૃત્ય પ્રમાણે અને તેઓનાં કર્મોની દુષ્ટતા પ્રમાણે તેઓને ફળ આપો; તેઓના હાથનાં કામ પ્રમાણે તેઓને ફળ આપો; તેઓને યોગ્ય બદલો આપો.
  5. 5 કેમ કે તેઓ યહોવાહના માર્ગો તથા તેમના હાથનાં કામો સમજતા નથી, તે તેઓને તોડી પાડશે અને કદી તેઓને સ્થિર કરશે નહિ.
  6. 6 યહોવાહની સ્તુતિ થાઓ, કારણ કે તેમણે મારા કાલાવાલા સાંભળ્યા છે!
  7. 7 યહોવાહ મારું સામર્થ્ય અને મારી ઢાલ છે; મારા હૃદયે તેમના ઉપર ભરોસો રાખ્યો છે અને મને તેમની સહાય મળી છે. માટે મારા હૃદયમાં અત્યંત આનંદ થાય છે અને તેમની સ્તુતિ ગાઈને હું તેમનો આભાર માનીશ.
  8. 8 યહોવાહ પોતાના અભિષિક્ત લોકોનું સામર્થ્ય છે તે તેમના ઉદ્ધાર માટેનો કિલ્લો છે.
  9. 9 તમારા લોકોનો બચાવ કરો અને તમારા વારસાને આશીર્વાદ આપો. વળી તેઓનું પાલનપોષણ કરીને સદા તેઓને ઊંચકી રાખો.