시편 49편 구자라트 IRV
- 1 હે સર્વ લોકો, તમે આ સાંભળો; હે વિશ્વાસીઓ, કાન ધરો.
- 2 નિમ્ન અને ઉચ્ચ બન્ને, શ્રીમંત તથા દરિદ્રી, તમે સર્વ ધ્યાન આપો.
- 3 હું મારે મુખે બુદ્ધિ વિષે બોલીશ અને મારા હૃદયના વિચારો ડહાપણ વિષે હશે.
- 4 હું દ્રષ્ટાંત પર કાન લગાડીશ; વીણા પર મારો મર્મ ખોલીશ.
- 5 જ્યારે મારી આસપાસ અન્યાય થાય અને મને શત્રુઓ ઘેરી લે, ત્યારે એવા દુષ્ટોના દિવસોમાં હું શા માટે બીહું?
- 6 જેઓ પોતાની સંપત્તિ પર ભરોસો રાખે છે અને પોતાના પુષ્કળ દ્રવ્યનું અભિમાન કરે છે.
- 7 તેઓમાંનો કોઈ પોતાના ભાઈને કોઈ પણ રીતે બચાવી શકતો નથી અથવા તેના બદલામાં ઈશ્વરને ખંડણી આપી શકતો નથી.
- 8 કેમ કે તેના પ્રાણની કિંમત મોટી છે અને એ વિચાર તેણે સદાને માટે છોડી દેવો જોઈએ.
- 9 તે સદાકાળ જીવતો રહે કે જેથી તેનું શરીર કબરમાં દફનાવાય નહિ.
- 10 કેમ કે તે જુએ છે કે બુદ્ધિવંત માણસો મરણ પામે છે; મૂર્ખ તથા અસભ્ય જેવા સાથે નાશ પામે છે અને પારકાઓને માટે પોતાનું ધન મૂકીને જાય છે.
- 11 તેઓના કબરો સદા માટે તેઓના ઘર રહેશે અને અમારાં રહેઠાણ પેઢી દરપેઢી રહેશે; તેઓ પોતાની જાગીરોને પોતાનાં નામ આપે છે.
- 12 પણ માણસ ધનવાન હોવા છતાં, ટકી રહેવાનો નથી; તે નાશવંત પશુના જેવો છે.
- 13 આપમતિયા માણસોનો માર્ગ મૂર્ખ જ છે; તેમ છતાં તેઓના પછીના લોકો તેઓનો બોલ પસંદ કરે છે. સેલાહ
- 14 તેમને શેઓલમાં લઈ જવાના ટોળાં જેવા ઠરાવવામાં આવશે; મૃત્યુ તેઓનો ઘેટાંપાળક થશે; તેઓ સીધા કબર તરફ ઉતરશે; તેઓનું સૌંદર્ય શેઓલમાં એવું નાશ પામશે કે, ત્યાં કોઈ બાકી રહેશે નહિ.
- 15 પણ ઈશ્વર મારા આત્માને શેઓલના નિયંત્રણમાંથી છોડાવી લેશે; તે મારો અંગીકાર કરશે. સેલાહ
- 16 જ્યારે કોઈ ધનવાન થાય છે, જ્યારે તેના ઘરનો વૈભવ વધી જાય, ત્યારે તું ગભરાઈશ નહિ.
- 17 કેમ કે જ્યારે તે મૃત્યુ પામે, ત્યારે તે પોતાની સાથે કંઈ લઈ જવાનો નથી; તેનો વૈભવ તેની પાછળ જવાનો નથી.
- 18 જ્યારે તે જીવતો હતો, ત્યારે તે પોતાના આત્માને આશીર્વાદ આપતો હતો અને જ્યારે તું તારું પોતાનું ભલું કરે છે, ત્યારે માણસો તારાં વખાણ કરે છે.
- 19 તે પોતાના પૂર્વજોના પિતૃઓની પાસે ચાલ્યો જાય છે; પછી તેઓ જીવનનું અજવાળું ક્યારેય પણ નહિ જુએ.
- 20 જે માણસ ધનવાન છે, પણ જેને આત્મિક સમજ નથી તે નાશવંત પશુ સમાન છે.