시편 51편 구자라트 IRV
- 1 હે ઈશ્વર, તમારી કૃપા પ્રમાણે મારા પર દયા કરો; તમારી પુષ્કળ કૃપાથી મારા અપરાધો માફ કરો.
- 2 મારા અપરાધથી મને પૂરો ધૂઓ અને મારા પાપોથી મને શુદ્ધ કરો.
- 3 કેમ કે હું મારા અપરાધો જાણું છું અને મારું પાપ નિત્ય મારી આગળ છે.
- 4 તમારી, હા, તમારી જ વિરુદ્ધ મેં પાપ કર્યું છે અને જે તમારી દ્રષ્ટિમાં ખરાબ છે તે મેં કર્યું છે; તેથી જ્યારે તમે બોલો, ત્યારે તમે ન્યાયી ઠરો; અને તમે ન્યાય કરો, ત્યારે તમે નિર્દોષ ઠરો.
- 5 જુઓ, હું અન્યાયીપણામાં જન્મ્યો હતો; મારી માતાએ પાપમાં મારો ગર્ભ ધારણ કર્યો હતો.
- 6 તમે તમારા હૃદયમાં અંત:કરણની સત્યતા માગો છો; મારા હૃદયને તમે ડહાપણ શીખવશો.
- 7 ઝુફાથી મને ધોજો એટલે હું શુદ્ધ થઈશ; મને નવડાવો એટલે હું હિમ કરતાં સફેદ થઈશ.
- 8 મને હર્ષ તથા આનંદ સંભળાવો એટલે જે હાડકાં તમે ભાંગ્યાં છે તેઓ આનંદ કરે.
- 9 મારાં પાપ તરફ નજર ન કરો અને મારા સર્વ અન્યાય ક્ષમા કરો.
- 10 હે ઈશ્વર, મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કરો અને મારા આત્માને નવો અને દ્રઢ કરો.
- 11 મને તમારી સંમુખથી દૂર ન કરો અને તમારો પવિત્ર આત્મા મારી પાસેથી લઈ લેશો નહિ.
- 12 તમારા ઉદ્ધારનો હર્ષ મને પાછો આપો અને ઉદાર આત્માએ કરીને મને નિભાવી રાખો.
- 13 ત્યારે હું ઉલ્લંઘન કરનારાઓને તમારા માર્ગ શીખવીશ અને પાપીઓ તમારા તરફ ફરશે.
- 14 હે ઈશ્વર, મારા ઉદ્ધારનાર, ખૂનના દોષથી મને માફ કરો અને હું મારી જીભે તમારા ન્યાયીપણા વિષે મોટેથી ગાઈશ.
- 15 હે પ્રભુ, તમે મારા હોઠ ઉઘાડો એટલે મારું મુખ તમારી સ્તુતિ પ્રગટ કરશે.
- 16 કેમ કે તમે બલિદાનોથી રીઝતા નથી, નહિ તો હું તે અર્પણ કરત; તમે દહનીયાર્પણથી આનંદ પામતા નથી.
- 17 હે ઈશ્વર, મારો બલિદાનો તો રાંક મન છે; હે ઈશ્વર, તમે રાંક અને નમ્ર હૃદયને ધિક્કારશો નહિ.
- 18 તમે કૃપા કરીને સિયોનનું ભલું કરો; યરુશાલેમના કોટોને ફરી બાંધો.
- 19 પછી ન્યાયીપણાના બલિદાનોથી, દહનાર્પણ તથા સર્વ દહનીયાર્પણથી તમે આનંદ પામશો; પછી તેઓ તમારી વેદી પર બળદોનું અર્પણ કરશે.