시편 80편 구자라트 IRV
- 1 હે ઇઝરાયલનાં પાળક, અમારી પ્રાર્થના સાંભળો; જેમણે યૂસફના લોકોને ઘેટાંની જેમ દોર્યા હતા; કરુબો પર બિરાજમાન અમારા પર પ્રકાશ પાડો!
- 2 એફ્રાઇમ, બિન્યામીન તથા મનાશ્શાની આગળ, તમારું સામર્થ્ય પ્રગટ કરો; આવીને અમને બચાવો.
- 3 હે ઈશ્વર, અમને પાછા ફેરવો; તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો એટલે અમારો બચાવ થાય.
- 4 હે સૈન્યોના ઈશ્વર યહોવાહ, તમારા લોકો તમારી પ્રાર્થના કરે છે, છતાં તમારો કોપ ક્યાં સુધી સળગતો રહેશે.
- 5 તમે તમારા લોકોને આંસુવાળી રોટલી ખવડાવી છે અને તેઓને પુષ્કળ આંસુઓ પાયાં છે.
- 6 તમે અમને અમારા પડોશીઓને લડવા માટે યુદ્ધના નિશાન બનાવ્યાં છે; અને અમારા શત્રુઓ અંદરોઅંદર અમારી હાંસી કરે છે.
- 7 હે સૈન્યોના ઈશ્વર, અમને પાછા ફેરવો; તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો, જેથી અમારો બચાવ થાય.
- 8 તમે મિસરમાંથી દ્રાક્ષાવેલો લાવ્યા; તમે વિદેશીઓને હાંકી કાઢીને તેને રોપ્યો.
- 9 તમે તેને માટે જગ્યા સાફ કરી; તેમાં મૂળ નાંખ્યા અને તેનાથી દેશ ભરપૂર થયો.
- 10 તેની છાયાથી પર્વતો ઢંકાઈ ગયા, તેની વિશાળ લાંબી ડાળીઓ ઈશ્વરના દેવદારો જેવી હતી.
- 11 તેણે પોતાની ડાળીઓ સમુદ્ર સુધી પ્રસારી અને તેની ડાળખીઓ ફ્રાત નદી સુધી પ્રસારી.
- 12 તમે તેનો દિવાલ એવી રીતે કેમ તોડી છે કે જેથી રસ્તે જતાં મુસાફરો તેની દ્રાક્ષો ચૂંટી લે છે?
- 13 જંગલમાંથી ડુક્કરો આવીને તેને બગાડે છે અને રાની પશુઓ તેને ખાઈ જાય છે.
- 14 હે સૈન્યોના ઈશ્વર, તમે પાછા આવો, આકાશમાંથી નીચે દ્રષ્ટિ કરો અને ધ્યાનમાં લો તથા આ દ્રાક્ષાવેલાની રક્ષા કરો.
- 15 તમે તમારા જમણા હાથે જેને રોપી છે, જે ડાળીને તમે તમારે માટે બળવાન કરી છે, તેનું રક્ષણ કરો.
- 16 તેને કાપીને બાળવામાં આવી; તમારા ઠપકાથી તમારા શત્રુઓ નાશ પામે છે.
- 17 તમારા જમણા હાથના માણસ પર, એટલે જે માણસના દીકરાને તમે પોતાને માટે બળવાન કરેલો છે તેના પર તમારો હાથ રાખો.
- 18 એટલે અમે તમારાથી વિમુખ થઈશું નહિ; અમને પુનર્જીવન આપો અને અમે તમારા નામમાં પ્રાર્થના કરીશું.
- 19 હે સૈન્યોના ઈશ્વર યહોવાહ, અમને પાછા ફેરવો; તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો, જેથી અમારો બચાવ થાય.