출애굽기 40장 구자라트 IRV
- 1 પછી યહોવાહે મૂસાને કહ્યું,
- 2 “પ્રથમ માસના પ્રથમ દિવસે તું મુલાકાતમંડપ ઊભો કરજે.
- 3 તેની અંદર દશ આજ્ઞાઓ મૂકેલી છે, તે કરારકોશ મંડપમાં મૂકજે; અને કરારકોશને પડદાથી ઢાંકી દેજે.
- 4 મેજને અંદર લાવીને તેના પર પાત્રો ગોઠવજે અને દીવી લાવીને તેના પર દીવાઓ સળગાવજે.
- 5 તું સોનાની ધૂપવેદી કરારકોશની સામે મૂકજે અને મંડપના દ્વારને પડદો લગાડજે.
- 6 તું દહનીયાર્પણની વેદીને મુલાકાતમંડપના માંડવાના દરવાજાની સામે મૂક.
- 7 તું હોજને મુલાકાતમંડપની તથા વેદીની વચ્ચે મૂકજે અને તેમાં પાણી ભરજે.
- 8 તું મુલાકાતમંડપના બહારના ભાગમાં ચારે બાજુ આંગણું તૈયાર કરીને આંગણાના પ્રવેશદ્વારે પડદો લટકાવજે.
- 9 તું અભિષેકનું તેલ લઈ પવિત્રમંડપનો તથા તેમાંની સર્વ વસ્તુઓનો અભિષેક કરીને તેની તથા તેમાંના બધાં સાધનોની શુદ્ધિ કરજે તેથી એ પવિત્ર થઈ જશે.
- 10 તું દહનીયાર્પણની વેદીનો અને તેનાં સર્વ સાધનોનો પણ અભિષેક કરીને તેમને શુદ્ધ કરજે તેથી તે પણ અત્યંત પવિત્ર થઈ જશે.
- 11 તું હોજનો અને તેના તળિયાંનો અભિષેક કરીને તેને પવિત્ર કરજે.
- 12 તું હારુનને તથા તેના પુત્રોને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ લાવજે અને તેઓને પાણીથી સ્નાન કરાવજે.
- 13 તું હારુનને પવિત્ર વસ્ત્રો પહેરાવીને તેનો અભિષેક કરજે અને યાજક તરીકે મારી સેવા કરવા માટે તેને પવિત્ર કરજે.
- 14 તું તેના પુત્રોને લાવીને અંગરખાં પહેરાવજે.
- 15 જેમ તેં તેઓના પિતાનો અભિષેક કર્યો હતો તેમ તેઓનો અભિષેક કર. તેઓનો અભિષેક કરવાથી તેઓ અને તેમના વંશજો કાયમ માટે યાજકો બનશે.”
- 16 યહોવાહે મૂસાને જે આજ્ઞા આપી હતી તે પ્રમાણે મૂસાએ કર્યું.
- 17 બીજા વર્ષના પ્રથમ માસના પ્રથમ દિવસે પવિત્રમંડપ ઊભો કરવામાં આવ્યો.
- 18 મૂસાએ કૂંભીઓ ગોઠવી, પાટિયાં બેસાડ્યાં, વળીઓ જડી દીધી, ભૂંગળો નાખી તથા તેના સ્તંભો રોપ્યા.
- 19 યહોવાહે મૂસાને આજ્ઞા કરી હતી તે પ્રમાણે પવિત્રમંડપ ઉપર આવરણ પાથરી દીધું અને તેની ઉપર તંબુનું આચ્છાદન કર્યું.
- 20 તેણે સાક્ષ્યલેખ લઈને કરારકોશમાં મૂક્યો અને કોશ પર દાંડા ગોઠવ્યા અને કોશ પર દયાસન મૂક્યું.
- 21 કરારકોશને મૂસાએ પવિત્રમંડપમાં લાવ્યો અને યહોવાહની આજ્ઞા અનુસાર તેને ઢાંકવા પડદો લટકાવ્યો.
- 22 મુલાકાતમંડપમાં ઉત્તર બાજુએ તેણે પડદાની બહાર મેજ મૂક્યું.
- 23 તેના ઉપર મૂસાએ યહોવાહની આજ્ઞા અનુસાર યહોવાહને અર્પેલી રોટલી મૂકી.
- 24 મુલાકાતમંડપની અંદર મેજની સામે દક્ષિણ બાજુએ તેણે દીવી મૂકી.
- 25 યહોવાહની આજ્ઞા મુજબ મૂસાએ તેના ઉપર યહોવાહ સમક્ષ દીવા સળગાવ્યાં.
- 26 મુલાકાતમંડપમાં પડદાની આગળ તેણે સોનાની વેદી મૂકી.
- 27 મૂસાએ યહોવાહની આજ્ઞા અનુસાર તેમાં સુંગધી ધૂપ કર્યો.
- 28 પવિત્રમંડપના પ્રવેશદ્વારે તેણે પડદો લટકાવ્યો.
- 29 મૂસાએ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પર અર્પણોને બાળવા માટે દહનીયાર્પણની વેદી ગોઠવી અને તેના ઉપર બળેલાં દહનીયાર્પણ અને ખાદ્યાર્પણ અર્પણ કરવા આ બધું તેણે યહોવાહની આજ્ઞા મુજબ કર્યું.
- 30 તેણે મુલાકાતમંડપ અને વેદીની વચ્ચે હોજ ગોઠવી અને તેમાં હાથપગ ધોવા માટે પાણી રેડ્યું.
- 31 મૂસા, હારુન અને તેના પુત્રો મુલાકાતમંડપમાં પ્રવેશ કરવા માટે ત્યાં હાથ પગ ધોતા.
- 32 જયારે તેઓ મુલાકાતમંડપમાં જતા અને જ્યારે તેઓ વેદીની પાસે આવતા, ત્યારે તેઓ સ્નાન કરતા, જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તેમ.
- 33 મૂસાએ પવિત્રમંડપ અને વેદીની ચારેબાજુ આંગણું ઊભુ કર્યું. તેણે આંગણાના પ્રવેશદ્વારે પડદા વડે દરવાજો બનાવ્યો. આ પ્રમાણે મૂસાએ કાર્ય પરિપૂર્ણ કર્યું.
- 34 પછી મુલાકાતમંડપને વાદળે ઘેરી લીધો. અને યહોવાહનું ગૌરવ મંડપમાં વ્યાપી ગયું.
- 35 મૂસા મુલાકાતમંડપમાં પ્રવેશી શકયો નહિ, કેમ કે વાદળ તેના પર સ્થિર થયું હતું અને યહોવાહનું ગૌરવ મંડપમાં પ્રસરી ગયું હતું.
- 36 જયારે મેઘને મંડપ ઉપરથી ઊઠાવી લેવામાં આવતો, ત્યારે ઇઝરાયલીઓ પોતાની મુસાફરીમાં આગળ આવતા.
- 37 પણ જો વાદળ પવિત્રમંડપ ઉપર સ્થિર થતું તો વાદળ હઠે નહિ ત્યાં સુધી તેઓ મુકામ પામતા નહિ.
- 38 યહોવાહ દિવસ દરમિયાન મુલાકાતમંડપ પર વાદળ આચ્છાદન કરે અને રાતે વાદળ અગ્નિમય બની જાય, એટલે ઇઝરાયલી લોકો સમગ્ર પ્રવાસ દરમિયાન પ્રત્યેક મુકામને જોઈ શકતા.