레위기 1장 구자라트 IRV
- 1 યહોવાહે મૂસાને બોલાવીને મુલાકાતમંડપમાંથી તેની સાથે વાત કરી કે,
- 2 “તું ઇઝરાયલી લોકોને એમ કહે કે, ‘જ્યારે તમારામાંનો કોઈ માણસ યહોવાહને અર્પણ ચઢાવે ત્યારે તે અર્પણ તમારે પશુમાંનું, એટલે જાનવરમાંનું ખાસ કરીને ઘેટાંબકરાંમાંનું ચઢાવવું.
- 3 જો કોઈનું અર્પણ જાનવરના દહનીયાર્પણનું હોય, તો તે નર હોવું જોઈએ અને તે ખોડખાંપણ વગરનું હોવું જોઈએ. તેણે જાનવરને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ ચઢાવવું, જેથી તે પોતે યહોવાહની આગળ માન્ય થાય.
- 4 જે વ્યક્તિ તે જાનવરને લઈને આવે તેણે પોતાનો હાથ તે દહનીયાર્પણના માથા પર મૂકવો એટલે પ્રાયશ્ચિત્ત કરવા તેનો સ્વીકાર કરવામાં આવશે.
- 5 પછી તે બળદને યહોવાહની સમક્ષ કાપે. યાજકો, એટલે હારુનના પુત્રો, તેના રક્તને લાવીને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ આવેલી વેદીની ચારે બાજુએ છાંટે.
- 6 પછી દહનીયાર્પણનું ચામડું તે ઉતારે અને કાપીને તેના ટુકડા કરે.
- 7 હારુન યાજકના પુત્રો વેદી પર અગ્નિ મૂકીને અગ્નિ પર લાકડાં ગોઠવે.
- 8 યાજકો, એટલે હારુનના પુત્રો, તે ટુકડા, માથું તથા ચરબી, વેદી પરના બળતા લાકડાંનાં અગ્નિ પર ગોઠવે.
- 9 પણ જાનવરના આંતરિક ભાગો તથા પગ પાણીથી ધોઈ નાખે. પછી યાજક વેદી પર તે બધાનું અર્પણ કરે. તે દહનીયાર્પણ તરીકે વેદી પર મૂકવું અને એ યહોવાહને માટે સુવાસિત છે.
- 10 જો દહનીયાર્પણને માટે તેનું અર્પણ ટોળામાંથી એટલે કે ઘેટાંબકરાંમાંથી હોય, તો તે ખોડખાંપણ વગરનો નર પશુ જ હોવો જોઈએ.
- 11 તે તેને વેદીની ઉત્તર બાજુએ યહોવાહની સમક્ષ કાપે. યાજકો, એટલે હારુનના પુત્રો, તેનું રક્ત વેદીની આગળ પાછળ અને ચારે બાજુએ છાંટે.
- 12 તે તેને માથું તથા ચરબી સહિત કાપીને તેના ટુકડા કરે અને યાજક તેઓને વેદી પરના અગ્નિ પરનાં લાકડાં પર ગોઠવે.
- 13 પણ આંતરિક ભાગો તથા પગને તે પાણીથી ધોઈ નાખે. પછી યાજક તે બધું અર્પીને વેદી પર તેનું અર્પણ કરે. તે યહોવાહને માટે સુવાસિત દહનીયાર્પણ એટલે હોમયજ્ઞ છે.
- 14 જો યહોવાહને માટે તેનું દહનીયાર્પણ પક્ષીઓનું હોય, તો તે હોલાનું કે કબૂતરનાં બચ્ચાંનું અર્પણ ચઢાવે.
- 15 યાજક તેને વેદી આગળ લાવીને તેનું માથું મરડી નાખે અને વેદી પર તેનું દહન કરે. પછી તેનું રક્ત વેદીની એક બાજુએ રેડી દે.
- 16 તે તેની અન્નની કોથળી તેના મેલ સહિત કાઢી લઈને વેદીની પૂર્વ બાજુએ રાખ નાખવાની જગ્યાએ ફેંકી દે.
- 17 યાજક તે પક્ષીને બે પાંખો વચ્ચેથી ચીરે, પરંતુ તેના બે ભાગ જુદા થવા ન દે. પછી યાજક વેદી પરના અગ્નિ પરનાં લાકડાં પર તેનું દહન કરે. તે યહોવાહને માટે સુવાસિત દહનીયાર્પણ છે.