잠언 12장 구자라트 IRV
- 1 જે કોઈ માણસ શિખામણ ચાહે છે તે વિદ્યા પણ ચાહે છે, પણ જે વ્યક્તિ ઠપકાને ધિક્કારે છે તે પશુ જેવો છે.
- 2 સારો માણસ યહોવાહની કૃપા મેળવે છે, પણ કુયુક્તિખોર માણસને તે દોષપાત્ર ઠેરવશે.
- 3 માણસ દુષ્ટતાથી સ્થિર થશે નહિ, પણ નેકીવાનની જડ કદી ઉખેડવામાં આવશે નહિ.
- 4 સદગુણી સ્ત્રી તેના પતિને મુગટરૂપ છે, પણ નિર્લજ્જ સ્ત્રી તેનાં હાડકાને સડારૂપ છે.
- 5 નેકીવાનના વિચાર ભલા હોય છે, પણ દુષ્ટોની સલાહ કપટભરી હોય છે.
- 6 દુષ્ટની વાણી રક્તપાત કરવા વિષે હોય છે, પણ પ્રામાણિક માણસનું મુખ તેને બચાવશે.
- 7 દુષ્ટો ઉથલી પડે છે અને હતા નહતા થઈ જાય છે, પણ સદાચારીનું ઘર કાયમ ટકી રહે છે.
- 8 માણસ પોતાના ડહાપણ પ્રમાણે પ્રસંશા પામે છે, પણ જેનું હૃદય દુષ્ટ છે તે તુચ્છ ગણાશે.
- 9 જેને અન્નની અછત હોય અને પોતાને માનવંતો માનતો હોય તેના કરતાં જે નિમ્ન ગણાતો હોય પણ તેને ચાકર હોય તો તે શ્રેષ્ઠ છે.
- 10 ભલો માણસ પોતાના પશુના જીવની સંભાળ રાખે છે, પણ દુષ્ટ માણસની દયા ક્રૂરતા સમાન હોય છે.
- 11 પોતાની જમીન ખેડનારને પુષ્કળ અન્ન મળશે; પણ નકામી વાતો પાછળ દોડનાર મૂર્ખ છે.
- 12 દુષ્ટ માણસો ભૂંડાની લૂંટ લેવા ઇચ્છે છે, પણ સદાચારીનાં મૂળ તો ફળદ્રુપ છે.
- 13 દુષ્ટ માણસના હોઠોનાં ઉલ્લંઘનો તેઓને પોતાને માટે ફાંદો છે, પણ સદાચારીઓ સંકટમાંથી છૂટા થશે.
- 14 માણસ પોતે બોલેલા શબ્દોથી સંતોષ પામશે અને તેને તેના કામનો બદલો પાછો મળશે.
- 15 મૂર્ખનો માર્ગ તેની પોતાની નજરમાં સાચો છે, પણ જ્ઞાની માણસ સારી સલાહ પર લક્ષ આપે છે.
- 16 મૂર્ખ પોતાનો ગુસ્સો તરત પ્રગટ કરી દે છે, પણ ડાહ્યો માણસ અપમાન ગળી જાય છે.
- 17 સત્ય ઉચ્ચારનાર નેકી પ્રગટ કરે છે, પણ જૂઠો સાક્ષી છેતરપિંડી કરે છે.
- 18 અવિચારી વાણી તલવારની જેમ ઘા કરે છે પણ જ્ઞાની માણસની જીભના શબ્દો આરોગ્યરૂપ છે.
- 19 જે હોઠ સત્ય બોલે છે તેઓ શાશ્વત રહે છે અને જૂઠા બોલી જીભ ક્ષણિક રહે છે.
- 20 જેઓ ખરાબ યોજનાઓ કરે છે તેઓનાં મન કપટી છે, પણ શાંતિની સલાહ આપનાર સુખ પામે છે.
- 21 સદાચારીને કંઈ નુકશાન થશે નહિ, પરંતુ દુષ્ટો મુશ્કેલીઓથી ભરેલા હોય છે.
- 22 યહોવાહ જૂઠાને ધિક્કારે છે, પણ સત્યથી વર્તનારાઓ તેમને આનંદરૂપ છે.
- 23 ડાહ્યો પુરુષ ડહાપણને છુપાવે છે, પણ મૂર્ખ પોતાની મૂર્ખાઈ જાહેર કરે છે.
- 24 ઉદ્યમીનો હાથ અધિકાર ભોગવશે, પરંતુ આળસુ માણસ પાસે મજૂરી કરાવવામાં આવશે.
- 25 પોતાના મનની ચિંતાઓ માણસને ગમગીન બનાવે છે, પણ માયાળુ શબ્દો તેને ખુશ કરે છે.
- 26 નેકીવાન માણસ પોતાના પડોશીને સાચો માર્ગ બતાવે છે, પણ દુષ્ટોનો માર્ગ તેને ગેરમાર્ગે દોરે છે.
- 27 આળસુ માણસ પોતે કરેલો શિકાર રાંધતો નથી, પણ ઉદ્યમી માણસ થવું એ મહામૂલી સંપત્તિ મેળવવા જેવું છે.
- 28 નેકીના માર્ગમાં જીવન છે. અને એ માર્ગમાં મરણ છે જ નહિ.