잠언 18장 구자라트 IRV
- 1 જુદો પડેલો માણસ ફક્ત પોતાની ઇચ્છાઓ વિશે જ વિચારે છે અને બધી સારી સલાહોને ગુસ્સાથી નકારે છે.
- 2 મૂર્ખને બુદ્ધિમાં રસ નથી હોતો, પણ તેને ફક્ત પોતાનાં મંતવ્યોને જ રજૂ કરવાં હોય છે.
- 3 જ્યારે દુષ્ટ આવે છે ત્યારે સાથે તુચ્છકાર પણ લેતો આવે છે, અપકીર્તિ સાથે શરમ અને નિંદા પણ આવે છે.
- 4 માણસના મુખના શબ્દો ઊંડા પાણી જેવા છે; ડહાપણનો ઝરો વહેતી નદી જેવો છે.
- 5 દુષ્ટની શેહશરમ રાખવી અથવા ઇનસાફમાં નેક માણસનો અન્યાય કરવો એ સારું નથી.
- 6 મૂર્ખના હોઠ કજિયા કરાવે છે અને તેનું મુખ ફટકા માગે છે.
- 7 મૂર્ખનું મોં એ તેનો વિનાશ છે અને તેના હોઠ એ તેના પોતાના આત્માનો ફાંદો છે.
- 8 કૂથલીના શબ્દો સ્વાદિષ્ટ ભોજનના કોળિયા જેવા હોય છે અને તે તરત ગળે ઊતરી જઈને શરીરના અંદરના ભાગમાં પહોંચી જાય છે.
- 9 વળી જે પોતાનાં કામ કરવામાં ઢીલો છે તે ઉડાઉનો ભાઈ છે.
- 10 યહોવાહનું નામ મજબૂત કિલ્લો છે; નેકીવાન તેમાં નાસી જઈને સુરક્ષિત રહે છે.
- 11 ધનવાન માણસનું ધન એ તેનું કિલ્લેબંધીવાળું શહેર છે અને તેની પોતાની માન્યતા પ્રમાણે તે ઊંચા કોટ જેવું છે.
- 12 માણસનું હૃદય અભિમાની થયા પછી નાશ આવે છે, પણ વિનમ્રતા સન્માનની અગાઉ આવે છે.
- 13 સાંભળ્યા પહેલાં જવાબ આપવામાં મૂર્ખાઈ તથા લજ્જા છે.
- 14 હિંમતવાન માણસ પોતાનું દુ:ખ સહન કરી શકશે, પણ ઘાયલ મન કોણ વેઠી શકે?
- 15 બુદ્ધિશાળી વ્યક્તિ ડહાપણ પ્રાપ્ત કરવા મથે છે અને જ્ઞાની વ્યક્તિના કાન ડહાપણ શોધે છે.
- 16 વ્યક્તિની ભેટ તેને માટે માર્ગ ખુલ્લો કરે છે અને તેને મહત્વની વ્યક્તિની સમક્ષ લઈ જાય છે.
- 17 જે પોતાનો દાવો પ્રથમ માંડે છે તે વાજબી દેખાય છે પણ તેનો પ્રતિવાદી આવીને તેને ઉઘાડો પાડે છે.
- 18 ચિઠ્ઠી નાખવાથી તકરાર સમી જાય છે અને સમર્થોના ભાગ વહેંચવામાં આવે છે.
- 19 દુભાયેલા ભાઈ સાથે સલાહ કરવી તે કિલ્લાવાળા નગરને જીતવા કરતાં મુશ્કેલ છે અને એવા કજિયા કિલ્લાની ભૂંગળો જેવા છે.
- 20 માણસ પોતાના મુખના ફળથી પેટ ભરીને ખાશે, તેના હોઠોની ઊપજથી તે ધરાશે.
- 21 મરણ તથા જીવન જીભના અધિકારમાં છે અને જે તેને પ્રેમ કરશે તે તેવું ફળ ખાશે.
- 22 જેને પત્ની મળે તે તેને માટે સારી બાબત છે અને તેથી તેને યહોવાહની કૃપા પ્રાપ્ત થાય છે.
- 23 ગરીબ દયાને માટે કાલાવાલા કરે છે, પણ દ્વવ્યવાન ઉદ્ધતાઈથી જવાબ આપે છે.
- 24 જે ઘણા મિત્રો કરે છે તે પોતાનું નુકસાન વહોરે છે, પણ એક એવો મિત્ર છે કે જે ભાઈના કરતાં નિકટનો સંબંધ રાખી રહે છે.