누가복음 5장 구자라트 IRV
- 1 હવે એમ થયું કે ઘણાં લોકો ઈસુ પર પડાપડી કરીને ઈશ્વરના વચનને સાંભળતાં હતા, ત્યારે ગન્નેસારેતના સરોવરને કિનારે તે ઊભા રહ્યા હતા.
- 2 તેમણે સરોવરને કિનારે ઊભેલી બે હોડી જોઈ, પણ માછીમારો તેઓ પરથી ઊતરીને જાળો ધોતા હતા.
- 3 તે હોડીઓમાંની એક સિમોનની હતી, ઈસુ તે હોડીમાં ગયા. અને તેને કિનારેથી થોડે દૂર હડસેલવાનું કહ્યું. પછી તેમણે હોડીમાં બેસીને લોકોને બોધ કર્યો.
- 4 ઉપદેશ સમાપ્ત કર્યા પછી ઈસુએ સિમોનને કહ્યું કે, ‹‘હોડીને ઊંડા પાણીમાં જવા દો, અને માછલાં પકડવા સારુ તમારી જાળો નાખો.’”›
- 5 સિમોને ઉત્તર આપ્યો કે, ‘ગુરુ, અમે આખી રાત મહેનત કરી, પણ કશું પકડાયું નહિ, તોપણ તમારા કહેવાથી હું જાળ નાખીશ.’”
- 6 તેઓએ જાળ નાખી તો માછલાંનો મોટો જથ્થો પકડાયો અને તેઓની જાળ તૂટવા લાગી.
- 7 તેઓના ભાગીદાર બીજી હોડીમાં હતા તેઓને તેઓએ ઇશારો કર્યો કે, તેઓ આવીને તેમને મદદ કરે; અને તેઓએ આવીને બન્ને હોડીઓ માછલાંથી એવી ભરી કે તેઓની હોડીઓ ડૂબવા લાગી.
- 8 તે જોઈને સિમોન પિતરે ઈસુના પગ આગળ પડીને કહ્યું કે, ‘ઓ પ્રભુ, મારી પાસેથી જાઓ. કેમ કે હું પાપી માણસ છું.’”
- 9 કેમ કે તે તથા તેના સઘળા સાથીઓ માછલાંનો જે જથ્થો પકડાયો હતો, તેથી આશ્ચર્ય પામ્યા હતા.
- 10 તેમાં ઝબદીના દીકરા યાકૂબ તથા યોહાન, જેઓ સિમોનના ભાગીદાર હતા, તેઓને પણ આશ્ચર્ય થયું. ઈસુએ સિમોનને કહ્યું કે, ‹‘બીશ નહિ કારણ કે, હવેથી તું માણસો પકડનાર થશે.’”›
- 11 તેઓ હોડીઓને કિનારે લાવ્યા પછી બધું મૂકીને ઈસુની પાછળ ચાલ્યા.
- 12 એમ થયું કે ઈસુ શહેરમાં હતા, ત્યારે જુઓ, એક કુષ્ઠ રોગી માણસ ત્યાં હતો; તે ઈસુને જોઈને તેમના પગે પડ્યો અને તેમને વિનંતી કરતાં બોલ્યો, ‘પ્રભુ, જો તમે ઇચ્છો તો મને શુદ્ધ કરી શકો છો.’”
- 13 ઈસુએ હાથ લાંબો કર્યો, અને તેને સ્પર્શ કરીને કહ્યું કે, ‹‘હું ચાહું છું, તું શુદ્ધ થા.’› અને તરત તેનો કુષ્ઠ રોગ મટી ગયો.
- 14 ઈસુએ તેને આજ્ઞા કરી કે, ‹‘તારે કોઈને કહેવું નહિ, પણ મૂસાએ ફરમાવ્યા પ્રમાણે સાક્ષી તરીકે જઈને પોતાને યાજકને બતાવ, ને તારા શુદ્ધિકરણને લીધે, તેઓને માટે અર્પણ ચઢાવ.’”›
- 15 પણ ઈસુના સંબંધીની વાતો વધારે પ્રમાણમાં ફેલાઈ, અને અતિ ઘણાં લોકો તેનું સાંભળવા સારુ તથા પોતાના રોગમાંથી સાજાં થવા સારુ તેમની પાસે ભેગા થતાં હતા.
- 16 પણ ઈસુ પોતે એકાંતમાં અરણ્યમાં જઈ પ્રાર્થના કરતા.
- 17 એક દિવસ ઈસુ બોધ કરતા હતા, ત્યારે ફરોશીઓ તથા શાસ્ત્રીઓ ગાલીલના ઘણાં ગામોમાંથી, યહૂદિયાથી તથા યરુશાલેમથી આવીને ત્યાં બેઠા હતા, અને બીમારને સાજાં કરવા સારુ ઈશ્વરનું પરાક્રમ ઈસુની પાસે હતું.
- 18 જુઓ, કેટલાક માણસો લકવાગ્રસ્તથી પીડાતી એક વ્યક્તિને ખાટલા પર લાવ્યા, તેને ઈસુની પાસે લઈ જઈને તેમની આગળ મૂકવાનો તેઓએ પ્રયત્ન કર્યો;
- 19 પણ ભીડને લીધે તેને અંદર લઈ જવાની જગ્યા ન હોવાથી તેઓ છાપરા પર ચઢ્યાં. ત્યાંથી છાપરામાં થઈને તે રોગીને ખાટલા સાથે ઈસુની આગળ ઉતાર્યો.
- 20 ઈસુએ તેઓનો વિશ્વાસ જોઈને તેને કહ્યું કે, ‹‘હે માણસ, તારાં પાપ તને માફ થયાં છે.’”›
- 21 તે સાંભળીને શાસ્ત્રીઓ તથા ફરોશીઓ અંદરોઅંદર વિચાર કરીને કહેવા લાગ્યા કે, ‘આ દુર્ભાષણ કરનાર કોણ છે? એકલા ઈશ્વર સિવાય બીજું કોણ પાપની માફી આપી શકે છે?’”
- 22 ઈસુએ તેઓના વિચાર જાણીને તેઓને જવાબ આપ્યો કે, ‹‘તમે પોતાના મનમાં શા પ્રશ્નો કરો છો?›
- 23 ‹વધારે સહેલું કયું છે, ‘તારાં પાપ તને માફ થયાં છે,’ એમ કહેવું કે, ‘ઊઠીને ચાલ્યો જા, એમ કહેવું?’”›
- 24 ‹પણ પૃથ્વી પર માણસના દીકરાને પાપ માફ કરવાનો અધિકાર છે, એ તમે જાણો માટે,› તેમણે લકવાગ્રસ્ત માણસને કહ્યું કે ‹હું તને કહું છું કે ‘ઊઠ તારો ખાટલો ઊંચકીને તારે ઘરે જા.’”›
- 25 તરત તે તેઓની આગળ ઊઠીને જે પર તે સૂતો હતો તે ખાટલાને ઊંચકીને ઈશ્વરનો મહિમા કરતો પોતાને ઘરે ગયો.
- 26 સઘળા આશ્ચર્ય પામ્યા, તેઓએ ઈશ્વરનો મહિમા કર્યો; અને તેઓએ ભયભીત થઈને કહ્યું કે, ‘આજે આપણે અજાયબ વાતો જોઈ છે.’”
- 27 ત્યાર પછી ઈસુ ત્યાંથી રવાના થયા, ત્યારે લેવી નામે એક દાણીને ચોકી પર બેઠેલો જોઈને ઈસુએ કહ્યું કે, ‹‘મારી પાછળ આવ.’”›
- 28 અને તે સઘળું મૂકીને, તેમની પાછળ ગયો.
- 29 લેવીએ પોતાને ઘરે ઈસુને માટે મોટો સત્કાર સમારંભ યોજ્યો. દાણીઓ તથા બીજાઓનું મોટું જૂથ તેમની સાથે જમવા બેઠું હતું.
- 30 ફરોશીઓએ તથા તેઓના શાસ્ત્રીઓએ તેમના શિષ્યોની વિરુદ્ધ બડબડાટ કરીને કહ્યું કે, ‘તમે દાણીઓ તથા પાપીઓની સાથે કેમ ખાઓ પીઓ છો?’”
- 31 ઈસુએ તેઓને ઉત્તર આપતાં કહ્યું કે, ‹‘જેઓ તંદુરસ્ત છે તેઓને વૈદની અગત્ય નથી, પણ જેઓ બિમાર છે તેઓને છે;›
- 32 ‹ન્યાયીઓને નહિ, પણ પાપીઓને પસ્તાવાને સારુ બોલાવવા હું આવ્યો છું.’”›
- 33 તેઓએ તેને કહ્યું કે, ‘યોહાનના શિષ્યો અને ફરોશીઓના શિષ્યો ઉપવાસ તથા પ્રાર્થના કરે છે, પણ તમારા શિષ્યો ખાય અને પીવે છે.’”
- 34 ઈસુએ તેઓને કહ્યું કે, ‹‘વરરાજા જાનૈયાઓની સાથે છે, ત્યાં સુધી તેઓની પાસે તમે ઉપવાસ કરાવી શકો છો શું?›
- 35 ‹પણ એવા દિવસો આવશે કે વરરાજાને તેઓની પાસેથી લઈ લેવામાં આવશે ત્યારે તે દિવસોમાં તેઓ ઉપવાસ કરશે.’”›
- 36 ઈસુએ તેઓને એક દ્રષ્ટાંત પણ કહ્યું કે,’ ‹નવા વસ્ત્રમાંથી કટકો ફાડીને કોઈ માણસ જૂના વસ્ત્રને થીંગડું મારતું નથી; જો લગાવે તો તે નવાને ફાડશે, વળી નવામાંથી લીધેલું થીંગડું જૂનાને મળતું નહિ આવે.›
- 37 ‹તે જ રીતે નવો દ્રાક્ષારસ જૂની મશકોમાં કોઈ ભરતું નથી, જો ભરે તો નવો દ્રાક્ષારસ મશકોને ફાડી નાખશે, અને પોતે ઢળી જશે અને મશકોનો નાશ થશે.›
- 38 ‹પણ નવો દ્રાક્ષારસ નવી મશકોમાં ભરવો જોઈએ.›
- 39 ‹વળી જૂનો દ્રાક્ષારસ પીધા પછી કોઈ નવો દ્રાક્ષારસ માગતો નથી, કેમ કે તે કહે છે કે. જૂનો સારો છે.’”›