누가복음 6장 구자라트 IRV
- 1 “એક વિશ્રામવારે ઈસુ ખેતરોમાં થઈને જતા હતા, ત્યારે તેમના શિષ્યો ઘઉંના કણસલાં તોડીને હાથમાં મસળીને ખાતા હતા.
- 2 આથી ફરોશીઓમાંના કેટલાકે કહ્યું કે, ‘વિશ્રામવારે જે કરવું ઉચિત નથી, તે તમે કેમ કરો છો?’”
- 3 ઈસુએ તેઓને ઉત્તર આપતા કહ્યું કે, ‹‘દાઉદ તથા તેના સાથીઓ ભૂખ્યા હતા, ત્યારે તેઓએ જે કર્યુ, તે શું તમે વાંચ્યું નથી કે›
- 4 ‹તેણે ઈશ્વરના ઘરમાં જઈને જે અર્પેલી રોટલી યાજક સિવાય બીજા કોઈને ખાવી ઉચિત ન હતી તે તેણે લઈને ખાધી, અને પોતાના સાથીઓને પણ આપી?’”›
- 5 તેમણે તેઓને કહ્યું કે, ‹‘માણસનો દીકરો વિશ્રામવારનો પ્રભુ છે.’”›
- 6 બીજા એક વિશ્રામવારે ઈસુ સભાસ્થાનમાં જઈને બોધ કરતા હતા; ત્યારે એક માણસ ત્યાં હતો કે જેનો જમણો હાથ સુકાઈ ગયેલો હતો.
- 7 વિશ્રામવારના દિવસે ઈસુ કોઈને સાજો કરશે કે નહિ, તે વિષે શાસ્ત્રીઓ તથા ફરોશીઓ તેમને જોયા કરતા હતા, એ માટે કે ઈસુ પર દોષ મૂકવાની તેઓને તક મળે.
- 8 પણ ઈસુએ તેઓના વિચારો જાણી લઈને જે વ્યક્તિનો હાથ સુકાઈ ગયેલો હતો તેને કહ્યું કે, ‹‘ઊઠીને વચમાં ઊભો રહે.’› તે ઊઠીને વચમાં આવીને ઊભો રહ્યો.
- 9 ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, ‹‘હું તમને પૂછું છું, કે વિશ્રામવારે સારું કરવું કે ખોટું કરવું, જીવને બચાવવો કે તે જીવનો નાશ કરવો, એ બન્નેમાંથી કયું ઉચિત છે?’”›
- 10 ઈસુએ બધી બાજુ નજર ફેરવીને તે વ્યક્તિને કહ્યું કે, ‹‘તારો હાથ લાંબો કર.’› તેણે તેમ કર્યું, એટલે તેનો હાથ સાજો થયો.
- 11 પણ તેઓ ક્રોધે ભરાયા; અને એકબીજાને કહેવા લાગ્યા કે, ‘ઈસુ વિષે આપણે શું કરીએ?’”
- 12 તે દિવસોમાં એમ થયું કે ઈસુ ઘરમાંથી નીકળીને પ્રાર્થના કરવા સારુ પહાડ પર ગયા; ત્યાં તેમણે ઈશ્વરને પ્રાર્થના કરવામાં આખી રાત વિતાવી.
- 13 સવાર થતાં ઈસુએ પોતાના શિષ્યોને બોલાવીને તેઓમાંના બારને પસંદ કર્યા, જેઓને તેમણે પસંદ કર્યા તેઓને ‘પ્રેરિતો’ એવું નામ આપ્યું.
- 14 સિમોન જેનું નામ ઈસુએ પિતર રાખ્યું હતું તેને તથા તેના ભાઈ આન્દ્રિયા, યાકૂબ, યોહાન, ફિલિપ અને બર્થોલ્મીને,
- 15 માથ્થી, થોમા, અલ્ફીના દીકરા યાકૂબ અને સિમોન, જે ઝનૂની હતો તેને,
- 16 યાકૂબના દીકરા યહૂદાને, અને યહૂદા ઇશ્કારિયોત જે વિશ્વાસઘાતી હતો તેને.
- 17 પછી ઈસુ શિષ્યોની સાથે પહાડ પરથી ઊતરીને મેદાનમાં ઊભા રહ્યા, તેમના શિષ્યોનો મોટો સમુદાય તથા આખા યહૂદિયામાંથી, યરુશાલેમમાંથી, તેમ જ તૂર તથા સિદોનના દરિયાકિનારાંનાં લોકોનો મોટો સમુદાય ત્યાં હતો કે, જેઓ તેમના વચનો સાંભળવા તથા પોતાના રોગથી સાજાં થવા આવ્યા હતા;
- 18 જેઓ અશુદ્ધ આત્માઓથી પીડાતા હતા તેમને પણ સાજાં કરવામાં આવ્યા.
- 19 સર્વ લોકો ઈસુને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરતા હતા; કેમ કે તેમનાંમાંથી પરાક્રમ નીકળીને સઘળાંને સાજાં કરતું હતું.
- 20 ત્યાર પછી ઈસુએ પોતાના શિષ્યો તરફ જોઈને કહ્યું કે, ‹‘ઓ નિર્ધનો, તમે આશીર્વાદિત છો કેમ કે ઈશ્વરનું રાજ્ય તમારું છે.›
- 21 ‹અત્યારે ભૂખ વેઠનારાઓ, તમે આશીર્વાદિત છો કેમ કે તમે તૃપ્ત થશો. અત્યારે રડનારાઓ, તમે આશીર્વાદિત છો કેમ કે તમે હસશો.›
- 22 ‹જયારે માણસના દીકરાને લીધે લોકો તમારો દ્વેષ કરશે તમને બહાર કાઢશે, તમને મહેણાં મારશે, તમારું અપમાન કરશે, તમારા નામને કલંકિત માનીને તમને કાઢી મૂકશે, ત્યારે તમે આશીર્વાદિત છો.›
- 23 ‹તે દિવસે તમે આનંદ કરો અને ખુશીથી કૂદો કેમ કે જુઓ, સ્વર્ગમાં તમારો બદલો મોટો છે; કેમ કે તેઓના પૂર્વજોએ પ્રબોધકોની પ્રત્યે એવું જ વર્તન કર્યુ હતું.›
- 24 ‹પણ ઓ ધનવાનો તમને અફસોસ છે! કેમ કે તમે તમારો દિલાસો પામી ચૂક્યા છો!›
- 25 ‹ઓ અત્યારે ધરાયેલાઓ તમને અફસોસ છે! કેમ કે તમે ભૂખ્યા થશો. ઓ હાલનાં હસનારાઓ, તમને અફસોસ છે! કેમ કે તમે શોક કરશો અને રડશો.›
- 26 ‹જયારે સઘળા લોકો તમારું સારું બોલે ત્યારે તમને અફસોસ છે! કેમ કે તેઓના પૂર્વજો જૂઠાં પ્રબોધકો પ્રત્યે તેમ જ વર્ત્યા હતા.›
- 27 ‹પણ હું તમને સાંભળનારાઓને કહું છું કે, તમારા શત્રુઓ પર પ્રેમ કરો, જેઓ તમારો દ્વેષ કરે છે તેઓનું ભલું કરો,›
- 28 ‹જેઓ તમને શાપ દે છે તેઓને આશીર્વાદ દો, જેઓ તમારું અપમાન કરે છે તેઓને સારુ પ્રાર્થના કરો.›
- 29 ‹જે કોઈ તારા એક ગાલ પર તમાચો મારે, તેની આગળ બીજો ગાલ પણ ધર; કોઈ તારા વસ્ત્રો લઈ લે, તેનાથી તારું પહેરણ પણ પાછું રાખીશ નહિ.›
- 30 ‹જો કોઈ તારી પાસે માગે તેને આપ; કોઈ તારું કશું પણ લઈ જાય તેની પાસેથી તું પાછું માગીશ નહિ.›
- 31 ‹લોકો જેમ તમારી સાથે જે રીતે વર્તે તેમ જ તમે પણ તેઓની સાથે વર્તન કરો.›
- 32 ‹તમારા પર જેઓ પ્રેમ રાખે છે તેઓ પર જ તમે પ્રેમ રાખો, તો તમારી મહેરબાની શાની? કેમ કે પાપીઓ પણ પોતાની ઉપર પ્રેમ રાખનારાઓ પર જ પ્રેમ રાખે છે.›
- 33 ‹જે તમારું સારું કરે છે માત્ર તેઓનું જ સારું જો તમે કરો, તો તમારી મહેરબાની શાની? કેમ કે પાપીઓ પણ એમ જ કરે છે.›
- 34 ‹જેની પાસેથી તમે પાછું મેળવાની અપેક્ષા રાખો છો, તેઓને જ તમે ઉછીનું આપો, તો તમારી મહેરબાની શાની? કેમ કે પૂરેપૂરું પાછું મળવાનું હોય તો પાપીઓ પણ પાપીઓને ઉછીનું આપે છે.›
- 35 ‹પણ તમે તમારા શત્રુઓ પર પ્રેમ રાખો, અને તેઓનું સારું કરો, પાછું મળવાની ઇચ્છા રાખ્યા વગર ઉછીનું આપો; અને તમને મોટો બદલો મળશે અને તમે પરાત્પરના દીકરા થશો; કેમ કે અનુપકારીઓ તથા પાપીઓ પર તેઓ માયાળુ છે.›
- 36 ‹માટે જેમ તમારા ઈશ્વરપિતા દયાળુ છે, તેમ તમે દયાળુ થાઓ.›
- 37 ‹કોઈનો ન્યાય ન કરો, અને તમારો ન્યાય નહિ કરાશે. કોઈને દોષિત ન ઠરાવો અને તમે દોષિત નહિ ઠરાવાશો. માફ કરો અને તમને પણ માફ કરાશે.›
- 38 ‹આપો ને તમને પણ આપવામાં આવશે; સારું માપ દાબેલું ને હલાવેલું તથા ઊભરાતું તમારા ખોળામાં તેઓ ઠાલવી દેશે. કેમ કે જે માપથી તમે માપી આપો છો, તેથી તમને પાછું માપી અપાશે.›
- 39 ઈસુએ તેઓને એક દ્રષ્ટાંત પણ કહ્યું કે, ‹‘શું દ્રષ્ટિહીન વ્યક્તિ અન્ય દ્રષ્ટિહીનને દોરી શકે? શું બન્ને ખાડામાં પડશે નહિ?›
- 40 ‹શિષ્ય પોતાના ગુરુ કરતાં મોટો નથી, પણ પ્રત્યેક શિષ્ય સંપૂર્ણ રીતે તૈયાર થયા પછી પોતાના ગુરુ જેવો થશે.›
- 41 ‹તું તારા ભાઈની આંખમાંનું ફોતરું ધ્યાનમાં લે છે, અને તારી પોતાની આંખમાંનો ભારોટીયો કેમ જોતો નથી?›
- 42 ‹તારી પોતાની આંખમાંનો ભારોટીયો ન જોતો હોય તો પછી તું તારા ભાઈને કઈ રીતે કહી શકે કે, ભાઈ, તારી આંખમાંથી મને તણખલું ફોતરું દે? ઓ ઢોંગી, તું પહેલાં પોતાની આંખમાંથી ભારોટીયો કાઢ, અને ત્યાર પછી તને તારા ભાઈની આંખમાંથી ફોતરું કાઢવાને સારી રીતે દેખાશે.›
- 43 ‹કોઈ સારા વૃક્ષને ખરાબ ફળ આવતું નથી; વળી કોઈ ખરાબ ઝાડને સારું ફળ આવતું નથી.›
- 44 ‹દરેક ઝાડ પોતાનાં ફળથી ઓળખાય છે; કેમ કે કાંટાનાં ઝાડ પરથી લોકો અંજીર વીણતા નથી, અને ઝાંખરાં પરથી દ્રાક્ષ વીણતા નથી.›
- 45 ‹સારો માણસ પોતાના મનના ભંડારમાંથી સારુ કાઢે છે; ખરાબ માણસ પોતાના મનના ખરાબ ભંડારમાંથી ખરાબ કાઢે છે; કારણ કે મનમાં જે ભરપૂર ભરેલું હોય તે જ મુખથી બોલાય છે.›
- 46 ‹તમે મને પ્રભુ, પ્રભુ, કેમ કહો છો, અને જે હું કહું છું તે કરતા નથી?›
- 47 ‹જે કોઈ મારી પાસે આવે છે, અને મારાં વચન સાંભળે છે તથા પાળે છે, તે કોનાં જેવા છે, એ હું તમને કહીશ.›
- 48 ‹તે એક ઘર બાંધનાર માણસના જેવો છે, જેણે ઊંડું ખોદીને ખડક પર પાયો નાખ્યો; અને જયારે પૂર આવ્યું, ત્યારે તે ઘરને નદીનો સપાટો લાગ્યો, પણ તેને હલાવી ન શક્યો, કેમ કે તે મજબૂત બાંધેલું હતું.›
- 49 ‹પણ જે મારાં વચનને સાંભળે છે પણ તે પ્રમાણે કરતો નથી તે આ માણસના જેવો છે કે જેણે પાયો નાખ્યા વિના જમીન પર ઘર બાંધ્યું; અને તે નદીમાં પૂર આવ્યું અને તે ઘર તરત પડી ગયું; અને તે ઘરનો સંપૂર્ણ નાશ થયો.’”›