데살로니가전서 4장 구자라트 IRV
- 1 તો ભાઈઓ, છેવટે, અમે પ્રભુ ઈસુના નામે તમને વિનંતી તથા સુબોધ કરીએ છીએ કે, તમારે કેવી રીતે વર્તવું અને ઈશ્વરને પ્રસન્ન કરવા, એ વિષે અમારા તરફથી તમે સાંભળ્યું છે તે પ્રમાણે જેમ તમે ચાલો છો, તેમ જ વધારે અને વધારે ચાલતા રહો.
- 2 કેમ કે અમે પ્રભુ ઈસુ તરફથી તમને કઈ કઈ આજ્ઞાઓ આપી તે તમે જાણો છો.
- 3 કારણ કે ઈશ્વરની ઇચ્છા એવી છે કે, તમારું પવિત્રીકરણ થાય, એટલે કે તમે વ્યભિચારથી દૂર રહો;
- 4 તમારામાંનો દરેક, ઈશ્વરને ન જાણનારાં વિદેશીઓની જેમ વિષયવાસનામાં નહિ,
- 5 પણ પવિત્રતામાં તથા માનમાં પોતાની જાતને સંભાળી રાખે.
- 6 તે બાબતમાં કોઈ અપરાધ કરીને પોતાના ભાઈને છેતરે નહિ, કારણ કે પ્રભુ એવાં બધાં કામોની શિક્ષા કરનાર છે, એ બાબતે અમે અગાઉ પણ તમને જણાવ્યું હતું અને ચેતવણી આપી હતી.
- 7 કેમ કે ઈશ્વરે આપણને અશુદ્ધતાને સારુ નહિ, પણ પવિત્રતામાં બોલાવ્યા છે.
- 8 એ માટે જે અનાદર કરે છે તે તો માણસનો નહિ, પણ ઈશ્વરનો અનાદર કરે છે, જે પોતાનો પવિત્ર આત્મા તમને આપે છે.
- 9 પણ ભાઈ પરના પ્રેમ વિષે કોઈને તમારા પર લખવાની કશી જરૂર નથી, કેમ કે એકબીજા પર પ્રેમ રાખવાનું ઈશ્વરે પોતે તમને શીખવ્યું છે.
- 10 આખા મકદોનિયાના સઘળા ભાઈઓ પર તમે એ પ્રમાણે પ્રેમ રાખો છો; પણ ભાઈઓ, અમે તમને વિનંતી કરીએ છીએ કે, તમે હજી પણ વધારે પ્રેમ રાખો;
- 11 અને જેમ અમે તમને આજ્ઞા આપી, તેમ તમે શાંત રહેવાને, બીજાઓને કામમાં દખલ ન કરવાને તથા પોતાને હાથે ઉદ્યોગ કરવાને, લક્ષ્ય રાખો;
- 12 જેથી બહારના લોકોની આગળ તમે સારી વર્તણૂક રાખો અને તમને કશાની અગત્ય રહે નહિ.
- 13 પણ, ભાઈઓ, ઊંઘી ગયેલા વિષે તમે અજાણ રહો એવી અમારી ઇચ્છા નથી, કે જેથી બીજા જેઓને આશા નથી તેઓની માફક તમે દુ:ખી ન થાઓ.
- 14 જો આપણે વિશ્વાસ કરીએ છીએ કે, ઈસુ મરણ પામ્યા અને પાછા સજીવન થયા, તો તે જ પ્રમાણે ઈસુમાં જેઓ ઊંઘી ગયા છે તેઓને પણ ઈશ્વર તેમની સાથે લાવશે.
- 15 કેમ કે પ્રભુના વચન દ્વારા અમે તમને કહીએ છીએ કે, પ્રભુના આવવાના સમયે આપણામાંના જેઓ જીવતાં રહેનારાં છે તેઓ ઊંઘેલાઓની અગાઉ જનારા નથી જ.
- 16 કેમ કે પ્રભુ પોતે ગર્જના, પ્રમુખ દૂતની વાણી, તથા ઈશ્વરના રણશિંગડાના અવાજ સહિત સ્વર્ગમાંથી ઊતરશે; અને ખ્રિસ્તમાં જેઓ મૃત્યુ પામેલાં છે તેઓ પ્રથમ ઉત્થાન પામશે.
- 17 પછી આપણે જેઓ જીવતાં રહેનારાં છીએ તેઓ આકાશમાં પ્રભુને મળવા સારુ તેઓની સાથે વાદળોમાં ખેંચાઈ જઈશું અને એમ સદા પ્રભુની સાથે રહીશું.
- 18 તેથી એ વચનોથી એકબીજાને ઉત્તેજન આપો.