데살로니가전서 5장 구자라트 IRV
- 1 હવે ભાઈઓ, સમયો તથા ઈશ્વરીય પ્રસંગો વિષે તમને લખી જણાવવાંની કોઈ જરૂર નથી.
- 2 કેમ કે તમે પોતે સારી રીતે જાણો છો કે, જેમ રાત્રે ચોર આવે છે તે પ્રમાણે પ્રભુ ઈસુનો દિવસ આવી રહ્યો છે.
- 3 કેમ કે જયારે લોકો કહેશે કે, ‘શાંતિ તથા સલામતી છે’, ત્યારે સગર્ભાની વેદનાની જેમ તેઓનો એકાએક વિનાશ થશે, તેઓ બચવા પામશે જ નહિ.
- 4 પણ ભાઈઓ, તમે અંધારામાં નથી, કે તે દિવસ ચોરની પેઠે તમારા પર આવી પડે.
- 5 તમે સઘળાં અજવાળાનાં અને દિવસના દીકરાઓ છો; આપણે રાતનાં કે અંધકારનાં સંતાનો નથી.
- 6 એ માટે બીજાઓની જેમ આપણે ઊંઘીએ નહિ, પણ જાગતા તથા સાવધાન રહીએ.
- 7 કેમ કે ઊંઘનારાઓ રાત્રે ઊંઘે છે અને દારૂ પીનારાઓ રાત્રે છાકટા થાય છે.
- 8 પણ આપણે દિવસના છીએ, માટે વિશ્વાસનું તથા પ્રેમનું બખતર અને ઉદ્ધારની આશાનો ટોપ પહેરીને સાવધાન રહીએ.
- 9 કેમ કે ઈશ્વરે આપણને કોપને સારુ નહિ, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઉદ્ધાર પ્રાપ્ત કરવા સારુ નિર્માણ કર્યા છે;
- 10 ખ્રિસ્ત આપણે સારુ મરણ પામ્યા, કે જેથી આપણે જાગીએ કે ઊંઘીએ; તેમની સાથે જીવીએ.
- 11 માટે જેમ તમે હમણાં કરો છો તેમ જ અરસપરસ દિલાસો આપો અને એકબીજાને મજબૂત કરો.
- 12 પણ, ભાઈઓ, અમે તમને વિનંતી કરીએ છીએ કે, જેઓ તમારા માટે શ્રમ કરે છે, પ્રભુમાં તમારા આગેવાન છે તથા તમને બોધ કરે છે તેઓની તમે કદર કરો;
- 13 અને તેઓની સેવાને લીધે પ્રેમસહિત તેઓને અતિ ઘણું માન આપો; તમે એકબીજાની સાથે શાંતિમાં રહો.
- 14 વળી, ભાઈઓ, અમે તમને વિનંતી કરીએ છીએ કે, તમે આળસુઓને ચેતવણી, નિરાશ થયેલાઓને ઉત્તેજન અને નિર્બળોને આધાર આપો, સઘળાંની સાથે સહનશીલ થાઓ.
- 15 સાવધ રહો કે, કોઈ દુષ્ટતાનાં બદલામાં સામી દુષ્ટતા ન આચરે પણ તમે સદા એકબીજાનું તથા સર્વનું હિત સાધવાને યત્ન કરો.
- 16 સદા આનંદ કરો;
- 17 નિરંતર પ્રાર્થના કરો;
- 18 દરેક બાબતમાં આભારસ્તુતિ કરો, કેમ કે તમારા વિષે ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરની ઇચ્છા એવી જ છે.
- 19 આત્માને હોલવશો નહિ,
- 20 પ્રબોધવાણીઓને તુચ્છકારશો નહિ.
- 21 પણ સઘળી બાબતોને પારખો, જે સારું છે તેને પકડી રાખો.
- 22 દરેક પ્રકારની દુષ્ટતાથી દૂર રહો.
- 23 શાંતિના ઈશ્વર પોતે તમને સંપૂર્ણ પવિત્ર કરો અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં આગમન સુધી તમારો આત્મા, પ્રાણ તથા શરીર નિર્દોષતામાં સંભાળી રાખો.
- 24 જેમણે તમને બોલાવ્યા છે તે વિશ્વસનીય છે અને તે એમ કરશે.
- 25 ભાઈઓ, અમારે માટે પ્રાર્થના કરો.
- 26 પવિત્ર ચુંબનથી સર્વ ભાઈઓને સલામ કહેજો.
- 27 હું તમને પ્રભુમાં પ્રતિજ્ઞા લેવડાવું છું કે, આ પત્ર બધા ભાઈઓને વાંચી સંભળાવજો.
- 28 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા પર હો.