출애굽기 25장 구자라트 IRV
- 1 યહોવાહે મૂસાને કહ્યું,
- 2 “ઇઝરાયલી લોકોને કહે કે, તેઓ મારા માટે જે અર્પણ આપવા ઇચ્છે છે તે રાજીખુશીથી આપે. તે તમારે મારે માટે અર્પણ તરીકે સ્વીકારવું.
- 3 તમારે તેઓની પાસેથી આટલી વસ્તુઓ અર્પણ તરીકે સ્વીકારવી; સોનું, ચાંદી, તાંબું
- 4 અને ભૂરા, જાંબુડિયા તથા કિરમજી રંગનું કિંમતી ઊન; શણનું ઝીણું કાપડ તથા બકરાંના વાળ,
- 5 ઘેટાંનાં ચામડાં જે પકવેલાં અને લાલ રંગમાં રંગેલાં હોય તથા ચામડાં અને બાવળનાં લાકડાં.
- 6 વળી દીવા માટે તેલ, અભિષેકના તેલને માટે તથા સુવાસિત ધૂપને માટે સુગંધીઓ,
- 7 ઉરપત્રક અને એફોદમાં જડવા માટે ગોમેદ પાષાણો અને અન્ય પાષાણો.
- 8 અને તેઓ મારા માટે એક પવિત્રસ્થાન બનાવે, જેથી હું તેઓની વચ્ચે રહી શકું.
- 9 હું મંડપનો નમૂનો તથા તેના સર્વ સામાનનો નમૂનો બતાવું તે પ્રમાણે તમારે તે બનાવવું.
- 10 બાવળના લાકડાનો અઢી હાથ લાંબો, દોઢ હાથ પહોળો અને દોઢ હાથ ઊંચો એક પવિત્રકરારકોશ બનાવવો.
- 11 તેને અંદરથી તથા બહારથી ચોખ્ખા સોનાથી મઢવો અને તેની ફરતે સોનાની પટ્ટી જડવી.
- 12 પછી તેને ઊંચકવા માટે સોનાનાં ચાર કડાં બનાવવાં અને તેમને તેના ચાર ખૂણે જડી દેવાં; એક બાજુએ બે કડાં અને બીજી બાજુએ બે કડાં.
- 13 બાવળના દાંડા બનાવીને પછી તું તેમને સોનાથી મઢજે.
- 14 અને કરારકોશને ઉપાડવા માટે એ દાંડા દરેક બાજુના કડામાં ભરવી દેવા.
- 15 દાંડા કરારકોશનાં કડામાં રહેવા દેવા, બહાર કાઢવા નહિ.
- 16 અને હું તને કરારકોશના ચિહ્ન તરીકે જે બે પાટીઓ આપું તે તું તેમાં મૂકજે.
- 17 વળી ચોખ્ખા સોનાનું અઢી હાથ લાંબું અને દોઢ હાથ પહોળું દયાસન તમારે બનાવવું.
- 18 અને તમારે સોનાના બે કરુબો ટીપેલા સોનામાંથી ઘડીને દયાસનના બે છેડા માટે બનાવવા.
- 19 અને એક કરુબ એક છેડા પર અને બીજો દયાસનના બીજા છેડા પર બેસાડવો, એ કરુબ દયાસનની સાથે એવી રીતે જોડી દેવા કે દયાસન અને કરુબો એક થઈ જાય.
- 20 એ કરુબોની પાંખો ઊંચે આકાશ તરફ ફેલાયેલી રાખવી. તેઓનાં મુખ એકબીજાની સામે હોય અને દયાસન તરફ વળેલાં હોય.
- 21 એ દયાસન ઉપર મૂકવું અને કરારકોશમાં હું તને આપું તે કરારની બે પાટીઓ મૂકવી.
- 22 અને ત્યાં હું તને મળીશ. ઇઝરાયલી લોકો માટે જે આજ્ઞાઓ હું તને આપીશ તે સર્વ વિષે, કરારલેખના કરારકોશ પરના દયાસન ઉપરથી તથા બે કરુબોની વચમાંથી, હું તારી સાથે વાત કરીશ.
- 23 વળી તું બાવળના લાકડાંનું બે હાથ લાંબું, એક હાથ પહોળું અને દોઢ હાથ ઊંચું એવું એક મેજ બનાવજે.
- 24 તું તેને શુદ્ધ સોનાથી મઢજે અને તેને ફરતી સોનાની કિનારી લગાડજે.
- 25 તું તેને ફરતી ચાર આંગળની કોર બનાવજે અને કોરની આસપાસ સોનાની કિનારી બનાવજે.
- 26 તેને માટે સોનાનાં ચાર કડાં બનાવીને તું તેમને તેના ચાર પાયાના ચાર ખૂણામાં જડી દેજે.
- 27 મેજ ઊંચકવાના દાંડાની જગ્યા થાય માટે કડાં કિનારની પાસે મૂકવાં.
- 28 મેજ ઊંચકવા માટે બાવળના દાંડા બનાવજે અને તેને સોનાથી મઢજે.
- 29 મેજ માટે વાસણો બનાવજે; એટલે થાળીઓ, ચમચીઓ, કડછીઓ અને પેયાર્પણને માટે વાટકા બનાવ. તું તેમને ચોખ્ખા સોનાનાં બનાવજે.
- 30 તું સદા મારી આગળ મેજ પર અર્પેલી રોટલી રાખજે.
- 31 વળી શુદ્ધ સોનાનું એક દીપવૃક્ષ બનાવ. તે ઘડતર કામનું હોય અને તેની બેઠક, તેનો દાંડો, તેનાં ચાડાં, તેની કળીઓ તથા તેનાં ફૂલો, તે સર્વ એક જ ટુકડામાંથી ઘડી કાઢેલાં હોય.
- 32 તેની બાજુઓમાંથી છ શાખાઓ નીકળે; એક બાજુમાંથી દીપવૃક્ષની ત્રણ શાખાઓ અને બીજી બાજુમાંથી દીપવૃક્ષની ત્રણ શાખાઓ.
- 33 એક શાખામાં બદામફૂલના આકારના ત્રણ પ્યાલા, એક કળી તથા એક ફૂલ અને બીજી શાખામાં બદામફૂલના આકારના ત્રણ પ્યાલા, એક કળી તથા એક ફૂલ; તે પ્રમાણે દીપવૃક્ષમાંથી નીકળતી છ શાખાઓ હોય.
- 34 દીપવૃક્ષમાં બદામફૂલના આકારના ચાર પ્યાલા, તેઓની કળીઓ તથા તેઓનાં ફૂલો સહિત હોય.
- 35 દીવીને છ ડાળી હોવી જોઈએ, દાંડીની બન્ને બાજુથી ત્રણ શાખા નીકળવી જોઈએ. શાખાની દરેક જોડીની નીચે એક એક કળી હોય. એ કળીઓ અને ડાળીઓ દીવીની સાથે જડી દીધેલી હોય.
- 36 અને બધું જ શુદ્ધ સોનાની એક જ પાટલીમાંથી ઘડીને બનાવેલું હોય.
- 37 દીવી માટે સાત કોડિયાં બનાવવાં અને તે એવી રીતે ગોઠવવાં કે તેઓનો પ્રકાશ સામેની બાજુએ પડે.
- 38 એના ચીપિયા અને તાસક શુદ્ધ સોનાનાં હોવાં જોઈએ.
- 39 આ બધાં સાધનો બનાવવા માટે એક તાલંત શુદ્ધ સોનું વાપરજે.
- 40 તેં પર્વત પર જોયેલા નમૂના પ્રમાણે આ બધું બનાવવાની કાળજી રાખજે.